Homeગુજરાતચોટીલા હાઈવે પર એક જ દિવસમાં 4 થી 5 મોટરસાઈકલ સવારોનો અકસ્માત;...

ચોટીલા હાઈવે પર એક જ દિવસમાં 4 થી 5 મોટરસાઈકલ સવારોનો અકસ્માત; હાઈવે ઓથોરિટી ઘોર નિદ્રામાં

ચોટીલા હાઈવે હાલમાં મૃત્યુના માર્ગ સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. હાઈવે પર લાંબા સમયથી સમાર કામ ચાલી રહ્યું છે પરંતુ આ સમારકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાથી સામાન્ય નાગરિકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. ચોટીલાથી નાની મોર ગામ તરફ જતા માર્ગ પર એક જ દિવસમાં 4 થી 5 મોટરસાયકલ સવારોનો અકસ્માત થયો હતો. અધૂરા કામને લીધે વાહનચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે.


સમારકામ દરમિયાન સુરક્ષાના કોઈ નિયમોનું પાલન ન થતું હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. તેમજ કોન્ટ્રાક્ટર અને હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આસપાસના ગામલોકોનું કહેવું છે કે જે ગતિએ કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું છે. અને તેને કારણે નિર્દોષ લોકોના જીવનું જોખમ ઊભું થાય છે.
મોલડી ગામના અગ્રણી કનુભાઈ ખવડે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી

અસહ્ય છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામલોકોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે વાહનચાલકોના જીવ સાથે જે રમત રમાઈ રહી છે તે હવે ચલાવી લેવામાં નહીં આવે.”
હાઈવે પર દરરોજ બની રહેલી અકસ્માતની ઘટનાઓ છતાં તંત્ર હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોની માગ છે કે વહેલી તકે રસ્તાનું સમારકામ પૂરું કરવામાં આવે અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં આવે જેથી અન્ય કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ ન બને.

RELATED ARTICLES

Most Popular