પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે. જો કે આને કારણે સૌથી કફોડી સ્થિતિ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોની થઈ રહી છે. આ બધી વાતો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના ઘરે આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરિયા, વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સંતાણી, પરેશ ગજેરા સહિતના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. માત્ર પાટીદાર આગેવાનો જ નહીં પણ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા. જેમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીસિંહ ઝાલા, રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
ચંદુભાઈ વિરાણીના ઘરે યોજાયેલી બેઠક દરમિયાન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર આગેવાનો અને ક્ષત્રિય નેતાઓ સાથે પરશોત્તમ રૂપાલાએ પણ ભોજન લીધું હતું. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ લોકસભા બેઠક પર પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજના કેટલા લોકોના મત ન મળવાની શક્યતા છે અને એ મત ન મળે તો બીજા મતો કઈ રીતે મેળવી શકાય અને બેઠક કઈ રીતે જીતી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે.