Homeગુજરાતનવા સુરજ દેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વનો પ્રારંભ

નવા સુરજ દેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વનો પ્રારંભ

ચોટીલાના નવા સુરજ દેવળ મંદિર મુકામે ઉપવાસ પર્વનો પ્રારંભ થયો છે.  ઉપવાસ પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નાવા ગામેથી ઘોડેસવારો સાથે સૂર્યરથની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બળવીરભાઈ ખાચર તેમજ સમસ્ત નાવા ગામ દ્વારા રામજી મંદિરેથી સામૈયા કરીને વાજતે ગાજતે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાઠી દરબારો,  સૂર્ય ઉપાસકો અને ઘોડેસવારો જોડાયા હતા. શોભાયાત્રા નવા સૂરજદેવળ મંદિર મુકામે પહોંચતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જોડાયેલા સહુએ સૂર્ય નારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ઉપવાસનો પ્રારંભ થયો હતો.

મહત્વનું છે કે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષો પહેલાંની ઘટનાની યાદમાં દર વર્ષે વૈશાખ મહિનાની એકમથી ચતુર્થીના બપોર સુધી સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે. એવું કહેવાય છે કે સુજાતખાને જૂના સુરજદેવળ મંદિર પર હુમલો કર્યો હતો એ દરમિયાન ઘણા કાઠીઓ સામનો કરતા કરતાં વીર ગતિ પામ્યા હતા એ દિવસ વૈશાખ સુદ ચોથ હોવાનું કહેવાય છે. અને તેથી કાઠી દરબાર સમાજના લોકો વૈશાખ સુદ એકમથી ચોથની બપોર સુધી સાડા ત્રણ દિવસના ઉપવાસ કરે છે.

બીજી કથા પ્રમાણે કચ્છમાં જામ અબડાજી સાથે કાઠીઓની હાર થતાં દેશ છોડવાની ફરજ પડી જે બાદ વાળાજીએ થાનની બાજુમાં પડાવ નાખ્યો. વાળાજીએ યુદ્ધમાં સૂર્યને મદદ કરવાની પ્રાર્થના કરી. પરંતુ સૂર્યનો જવાબ ના મળતાં વાળોજીએ  પોતાનું જીવન ટૂંકાવી નાખવા વિચાર કર્યો. જે બાદ સૂર્ય નારાયણે સપનામાં આવીને વાળાજીની સાથે હોવાનું આશ્વાસન આપ્યું અને સવારે ઊઠ્યા બાદ કેટલાક પ્રમાણ આપ્યા. અને સૂર્ય નારાયણની સહાયથી વાળાજીની જીત થઈ અને કાઠીઓએ વસવાટ કરતાં એ સમગ્ર વિસ્તારનું નામ કાઠિયાવાડ પડ્યું. વાળાજીએ જે સ્થળે સૂર્યનારાયણની ઉપાસના કરી તે સ્થળ એ જૂના સૂરજદેવળ હોવાનું મનાય છે. અને સમય જતાં સંવત 1991માં નવા સૂરજ દેવળનું નિર્માણ કરવામાં આવ્યું. જ્યાં રવિરાંદલની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.   વાળાજીએ કરેલી સૂર્યોપાસનાની યાદમાં કાઠી સમાજના લોકો દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular