Homeમુખ્ય સમાચારરાજકોટ ગેમઝોનમાં ભીષણ આગ; 21થી વધુ લોકો ભડથું; જવાબદાર કોણ?

રાજકોટ ગેમઝોનમાં ભીષણ આગ; 21થી વધુ લોકો ભડથું; જવાબદાર કોણ?

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગને કારણે 21થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ભીષણ આગને કારણે આખું ગેમઝોન સળગીને ખાક થઈ ગયું. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગને લઈને 5 કિલોમીટર દૂર સુધી આકાશમાં ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

આ તરફ 21થી વધુ લોકોના મૃતદેહ હોસ્પિટલ લઈ જવાતા હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.બીજી તરફ આ સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા TRP ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ખુલાસો થયો છે. આમ છતાં કોની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હતું તે સવાલ થાય છે. કોઈ મોટા અધિકારી કે પછી કોઈ મોટા રાજકીય નેતાના આશીર્વાદ હોવાની આશંકા ઊઠી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેને આ સમગ્ર મામલે જવાબદારીનું ઠીકરું મનોરંજન વિભાગ પર ફોડ્યું છે. તેમનું કહેવું છે કે રાજકોટ મનપાની માત્રને માત્ર જવાબદારી ફાયર NOC આપવાની છે. આ બાબતની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઈલ મૂકે પછી તે ફાઈલ મનપા પાસે આવે પછી મનપા મંજૂરી આપતી હોય છે. રાજકોટ મનપાની સીધી જવાબદારી નથી.

રાજકોટના મેયર નયનાબહેન પેઢડિયાએ આ અંગે વધુ કશું ના કહીને ચાલતી પકડી હતી. તેમણે કહ્યું કે ‘ હું બહાર ગામ હતી. ત્યાંથી રાજકોટ પહોંચીને તરત જ અહીં આવી છું અને સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત માટે જવાની છું.’ વધુમાં તેમણે કહ્યું કે ‘ ઘટના અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને જાણ કરી દેવામાં આવી છે. જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.’ પરંતુ 31થી વધુ લોકોના મોત મામલે શું કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવા સવાલનો જવાબ ન આપીને તેમણે ચાલતી પકડી હતી.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે. વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું જે દુઃખદ છે. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા છે. નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ.ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે. સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે.

RELATED ARTICLES

Most Popular