ભારે વરસાદને પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેને લઈને લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. મોડી રાતથી સવારના 6 વાગ્યા સુધી પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. શહેરના મીઠાખળી, પરિમલ અને અખબાર નગરના અન્ડર પાસ બંધ કરવા પડ્યા હતા. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. શહેરમાં ત્રણ કલાકમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતા 28 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

સવારથી બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે બપોર બાદ પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. . આમ સવારથી બપોરના 3 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઈને લોકોના હાલ બેહાલ થઈ ગયા.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાંદલોડિયા, ગોતા, નારણપુરા, ઘાટલોડિયા, જગતપુર, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. શાહીબાગમાં શનિદેવ મંદિરથી અંડરપાસ સુધીના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. રાહદારીઓને પરત ફરવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી બાજુથી દૂધેશ્વર સુધીના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. અનેક વાહનો બંધ થતાં ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની નોબત આવી હતી.

વરસાદના કારણે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ સ્કૂલો મંગળવારે બંધ રાખવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે સાત જેટલા અંડર પાસ બંધ કરવામાં આવ્યા.
નારણપુરા વિસ્તારમાં વિજયનગર ચાર રસ્તાથી પ્રગતિનગર જતા માર્ગ પર એક બાજુ વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ બાકી છે. જો કે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા બંન્ને સાઇડના રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચાંદલોડિયા અને પરિમલ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા.
વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના છ જેટલા દરવાજા બે થી અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. શહેરના નરોડા વિસ્તારમાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે રાણીપ, જગતપુર, ચાંદખેડા, સાયન્સ સીટી, ગોતા વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સાંજના 5:45 વાગ્યા બાદ પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.