અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ધોળા દિવસે 65 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયા લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા. 65 લાખ રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ. લૂંટ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં જિમખાના પાસે આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી રિક્ષામાં બેસીને રૂપિયા લઈને જઈ રહ્યો હતો, આ દરમિયાન સ્કૂટર પર 2 શખ્સો તેનો પીછો કરી રહ્યા હતા. બંને શખ્સો રિક્ષા પાસે આવ્યા અને આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા. લૂંટ કરતી વખતે આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવવા માટે લૂંટારૂઓએ એરગનથી ફાયરિંગ કર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
