અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા 150 જેટલા ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના યુવાનો છે. આ લોકો મેક્સિકોની બોર્ડર પરથી ગેરકાયદે અમેરિકામાં જઈ રહ્યા હતા. જો કે અમેરિકાના જવાનો દ્વારા તેમને ઝડપી લેવાયા. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ભારત લવાઈ શકે છે.
સામે આવેલી વિગતો મુજબ આશરે એકાદ મહિના પહેલાં ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા. જેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા. ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા અને મેક્સિકો બોર્ડરથી અમેરિકા જઈ રહ્યા હતા એ દરમિયાન ઝડપાઈ ગયા.

પ્રતીકાત્મક તસવીર
ભારતથી યુરોપ પહોંચી અને યુરોપથી તેઓ મેક્સિકો પહોંચ્યા. પરંતુ મેક્સિકોમાં તેમણે ઓનઅરાઇવલ વિઝા કે પરમિટ કાયદેસર લેવી પડે, પરંતુ ચાર્ટર્ડ પ્લેનમાં ગયેલા લોકોએ આવી કોઈ પરમિટ લીધી નહોતી. આ બધા ચાલતાં ચાલતાં મેક્સિકોમાં ઘૂસી ગયા બાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર મારી દીધું હોવાનું સામે આવ્યું છે. સામે આવેલી વિગત પ્રમાણે તેમના દિલ્હીના કેટલાક એજન્ટોએ તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યાર બાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. અને અહીં દિલ્હીના એજન્ટનું કામ પતી ગયું હતું.
અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં તેમાં મેક્સિકોના સિક્કા ખોટા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને તેમણે રાજ્યાશ્રયનું કારણ ફગાવી દીધું હતું અને વધુ પૂછપરછ કરી હતી. અધિકારીએ તેમને પૂછ્યું હતું કે તેમના પાસપોર્ટમાં મેક્સિકોના સિક્કા ખોટા છે, તેઓ ખોટું કરીને આવ્યો છે. કડક પૂછપરછ બાદ ઘૂસેલા લોકોએ સ્વીકારી લીધું હતું કે સિક્કા ખોટા છે અને મેક્સિકોમાં એજન્ટોએ લગાવી આપ્યા હતા.
ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ દેશના લોકો સામેલ છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે. અમેરિકામાંથી ભારત લાવવામાં આવ્યા બાદ આ બધા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં આ સમાચાર પહોંચતાં ફફડાટ ફેલાઈ ગયો છે. બધા લોકો મૂળ કયા ગામના છે અને કયા એજન્ટો દ્વારા ગયા હતા એની વિગત હજુ સામે નથી આવી.

પ્રતીકાત્મક તસવીર