સ્વતંત્રતા પર્વ પહેલા વિદ્યાર્થીઓના ટીશર્ટને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસની ન્યાય યાત્રા ચોટીલામાંથી પસાર થઈ રહી હતી એ દરમિયાન આ વિવાદ સામે આવ્યો છે.ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓએ કેસરી રંગની ટીશર્ટ પહેરી હતી જે ટીશર્ટ પર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આવી ટીશર્ટ સાથે જોતા કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા.

કોંગ્રેસના નેતાઓએ આ અંગે શાળાના આચાર્યને પૂછતાં શાળાના આચાર્યએ જણાવ્યું કે કોઈ દાતા તરફથી આ ટીશર્ટ આપવામાં આવી છે અને એ ટીશર્ટ વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ સવાલ કરતા કહ્યું કે કાલે દાઉદ અને નથુરામ ગોડ શેની તસવીર વાળી ટીશર્ટ આપવામાં આવશે તો શું એવી ટીશર્ટ પણ તેઓ વિદ્યાર્થીઓને પહેરાવશે?
આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ રોષ સાથે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની કેટલીક દુર્ઘટનાના પીડિતો માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે, તેના વિરોધમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા દેશના મહાન લડવૈયાઓને બદલે એ લોકો આ પ્રકારના કેસરી ટીશર્ટ પહેરાવીને બાળકોના મગજ અને મનમાંથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલને ભૂંસવાની કોશિશ કરી રહ્યા છે, જે આપણા સાચા રાષ્ટ્રીય હીરો છે. તેમના બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય પડદા પાછળ રહીને ભાજપ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે આવા પ્રકારના કેસરી ટીશર્ટ એક માત્ર ચોટીલા તાલુકામાં 10,000 અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં વહેંચવામાં આવ્યા હોવાની તેમને રજૂઆત મળી છે. ઋત્વિક મકવાણાએ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની ભાજપ સરકારને વિનંતી નહીં પણ પડકાર ફેંક્યો કે, તેમનામાં તાકાત હોય તો તેઓ તેમની તાકાત ઉપર રાજકારણ કરે. શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ના કરે.

કોંગ્રેસના રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે, શાળાના બાળકોના સ્કૂલ ડ્રેસને દબાવી દેવામાં આવ્યો છે અને એની ઉપર RSSના સાવરકરની તસવીર વાળી કેસરી ટીશર્ટ પહેરાવીને ભાજપે તિરંગા યાત્રામાં બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગાંધીજીની હત્યાનું જેમણે ષડયંત્ર કર્યું હતું એ RSSના સાવરકરની કેસરી ટીશર્ટ સાંગાણીની સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પહેરાવી છે. જે નિંદનીય કૃત્ય છે. વિવાદ વધતાં પોલીસે વચ્ચે પડીને દરમિયાનગીરી કરી અને તાકીદે બાળકોને ટીશર્ટ બદલવાની સૂચના આપી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારાઓ લગાવ્યા હતા.
