બનાસકાંઠાના ડીસામાં એસઆરપી જવાનો પર ગૌરક્ષકો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઘટના એવી હતી કે ડીસા-પાટણ હાઈવે પરથી એક ટ્રકમાં પશુઓ લઈ જવાઈ રહ્યા હતા. જે ટ્રકમાં એસઆરપી જવાનો પણ હતા. જો કે આ પશુઓ કતલખાને લઈ જવાઈ રહ્યાની આશંકા સાથે ગૌરક્ષકોએ ટ્રકને રોકી. ટ્રકમાં બેઠેલા એસઆરપી જવાનો પણ પશુઓને કતલખાને લઈ જવાના મામલામાં સંડોવાયેલા હોવાની આશંકા સાથે ગૌરક્ષકોએ હંગામનો મચાવીને એસઆરપી જવાનોને માર માર્યો.

મહત્વનું છે કે અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યાની છૂટકારો મેળવવા માટે જુદા જુદા વિસ્તારમાં પશુઓને પકડવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ રખડતા પશુઓને પકડીને અલગ અલગ ગૌશાળામાં મોકલવાનો હાઈકોર્ટે હુકમ કરેલો છે. પશુઓને પકડતી વખતે અને પશુઓ સહીસલામત ગૌશાળા પહોંચે તે માટે એસઆરપી જવાનોને રક્ષણ માટેનો હુકમ કર્યો હતો. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી 31 પશુઓ પકડીને તેમને 4 ટ્રક મારફતે ડીસામાં રાધે ક્રિષ્ના ગૌશાળા ખાતે લઈ જવાઈ રહ્યા હતા.

પશુઓ લઈ જઈ રહેલી ટ્રક જૂના ડીસા ફાટક પાસેથી પસાર થઈ રહી હતી એ દરમિયાન સની પ્રજાપતિ, અનિલસિંહ રાજપૂત અને અશોક ભાટી નામના શખ્સોએ ટ્રકને રોકી અને બબાલ કરી. અને પોતે જીવદયાપ્રેમીઓ હોવાનું કહીને એસઆરપી જવાનોને માર માર્યો. જેમાં એસઆરપીના રવીન્દ્રસિંહ ચાવડા, ફાલ્ગુનભાઈ ગોળ અને પૂનમભાઈ મોદીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં ત્રણેય શખ્સોએ જવાનોની વર્દી ફાડી નાખી અને માર માર્યો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.