દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરતા ગામમાં ઘેરા શોકનો માહોલ છે. આહીર પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. મોડી રાત્રે ચારેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. જે બાદ ગુરુવારે ચારેય મૃતકોની અંતિમ યાત્રા નીકળતાં ગામ આખું હિબકે ચડ્યું હતું. અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કઠણ કાળજાના લોકોને પણ રોવડાવી દે તેવાં કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

ઘટનાસ્થળેથી પોલીસને ચારેયના મોબાઈલ, બાઈક અને સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે ભાણવડના ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. ચારેયની ઓળખ અશોકભાઈ ધુંવા, તેમના પત્ની લીલુબેન, પુત્ર જિજ્ઞેશ ધુંવા અને પુત્રી કિંજલ ધુંવા તરીકે થઈ હતી.

આત્મહત્યા કરનાર પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના માધવબાગ -1 વિસ્તારમાં રહેતો હતો. બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહીર પરિવારના મોભી પર ખૂબ જ દેવું થઈ જતાં અશોકભાઈ અને તેમના પરિવારે અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈને છેલ્લા થોડા સમયથી ધંધામાં ખોટ જતી હતી. જેથી તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. આર્થિક સંકડામણ દૂર કરવા અશોકભાઈએ વ્યાજે પણ રૂપિયા લીધા હતા. જેથી દેણું સતત વધતું ગયું. અને અંતે અશોકભાઈ અને તેના પરિવારના સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો. પોલીસે સ્યૂસાઈડ નોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.