જૂનાગઢ જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ વધુ કફોડી બની છે. કેશોદ અને વંથલી તાલુકામાં બે દિવસમાં 14 ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક ગામો સંપર્કવિહોણાં બની ગયા છે. કેશોદ તાલુકાનાં ગામો અને ઘેડ પંથકનાં ગામોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય અને પૂરનાં પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં આવેલું મંદિર જળમગ્ન થઈ ગયું હતું. જ્યારે ખોરાસા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મગરવાડા ગામ સંપર્કવિહોણું બની ગયું. ખેતરો ફરતે બનાવવામાં આવેલા પાળા તૂટી ગયા અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા.

પાળોદર ગામથી અખોદર, બામણાસા, સરોડ ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો હતો. બાલા ગામમાં ત્રણ લોકો ફસાઈ જતા નજીકના ગામના સરપંચ બોટ લઈને પહોંચ્યા હતા અને ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

મધુવંતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા 14 જેટલાં ગામોમાં આ પૂરના પાણીની અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટરે વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે જિલ્લાના 75 રસ્તા પર પાણી ફરી વળતાં 65 ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. સલામતીના ભાગરૂપે એસટી વિભાગના 14 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા 53 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. કેશોદમાં NDRF અને શહેરમાં SDRFની ટીમ તહેનાત રાખવામાં આવી છે.