Homeગુજરાતભાવનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 20થી વધુને ઈજા; ઊભેલા ડમ્પર પાછળ...

ભાવનગર પાસે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 20થી વધુને ઈજા; ઊભેલા ડમ્પર પાછળ ઘૂસી ગઈ લક્ઝરી બસ

BHAVNAGAR : ભાવનગર પાસે વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો. જેમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના ત્રાપજ પાસે એક ડમ્પર રોડની સાઈડમાં ઊભેલું હતું. ખામી સર્જાતા ચાલકે ડમ્પરને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. વહેલી સવારે રોડ પરથી ખાનગી બસ પસાર થઈ રહી હતી, જે બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ.

6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત
અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા , જ્યારે 20થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. અકસ્માત અંગે જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા, રોડ પરથી પસાર થતા વાહનચાલકો પણ અકસ્માત જોઈ ઊભા રહી ગયા. ઘટના અંગે જાણ કરાતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો. અડધી બસ જાણે આખે આખી ચીરાઈ ગઈ..

બસના ચાલકે શું કહ્યું?
લક્ઝરી બસના ચાલકનું કહેવું છે કે તેઓ સુરતથી બસ લઈને નીકળ્યા હતા અને રાજુલા જઈ રહ્યા હતા.આખી બસ મુસાફરોથી ભરેલી હતી. દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમાં ઊભેલું હતું, પરંતુ ડમ્પરની આસપાસ કોઈ પથ્થરો મૂકેલા ન હતા, જેથી તેમનું ધ્યાન નહોતું ગયું. બસ ડમ્પર નજીક પહોંચ્યા બાદ તેમનું ધ્યાન ગયું પરંતુ તેઓ સ્ટિયરિંગ કાબૂ મેળવે એ પહેલાં જ બસ ડમ્પર પાછળ અથડાઈ ગઈ.

સાંસદ નીમુબહેને મદદ કરવા તંત્રને આપી સૂચના
ગંભીર અકસ્માત અંગે જાણ થતાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર મળે તે માટે જે પણ કરવું પડે તે કરવા સર.ટી હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી હતી. આ ઉપરાંત કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને શક્ય તમામ મદદ કરવા સૂચના આપી હતી. બનાવની જાણ થતાં ભાવનગરના મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિત અન્ય પદાધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

અકસ્માતમાં સગા ભાઈ-બહેનના મોત
મૃતકોમાં 8 વર્ષીય ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા , 38 વર્ષીય જયશ્રી મહેશભાઈ નકુમ , 45 વર્ષીય ચતુરાબેન મધુભાઈ હડિયા , 45 વર્ષીય છગનભાઇ કળાભાઈ બલદાણીયા, 4 વર્ષીય ગોવિંદ ભરતભાઈ કવાડ અને 7 વર્ષીય તમન્ના ભરતભાઈ કવાડનો સમાવેશ થાય છે. જેમાંથી ગોવિંદ અને તમન્ના સગા ભાઈબહેન હતા. બંને ભાઈ બહેન સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. પરંતુ ઘરે પહોંચે એ પહેલાં કાળનો શિકાર બની ગયા.

RELATED ARTICLES

Most Popular