BHUJ: ભુજમાં ફાયરિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરના કાર્યાલય બહાર ફાયરિંગ કરવામાં આવ્યું. રાત્રિના 10 વાગ્યા આસપાસ કેટલાક અજાણ્યા ઈસમો કોર્પોરેટર ધર્મેશ ગોરના કાર્યાલય પાસે આવ્યા હતા. જેમણે હવામાં ફાયરિંગ કરીને ત્યાં પડેલા વાહનોમાં અને કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ
ભુજના મુન્દ્રા રોડ પર ભુજ નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરનું કાર્યાલય આવેલું છે. શુક્રવારે રાત્રિના સમયે 8 થી 10 શખ્સો હથિયારો સાથે કાર્યાલય પર આવ્યા અને આતંક મચાવ્યો હતો. શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું. જે બાદ ધોકા અને પાઈપ વડે ત્યાં પડેલા વાહનોમાં અને કોર્પોરેટરના કાર્યાલયમાં તોડફોડ કરી.

અગાઉની અદાવતમાં હુમલો
સામે આવેલી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલાં ભુજના લાયન્સ નગરમાં એક મકાનના કબ્જા બાબતે એક યુવકને કેટલાક ઈસમો સાથે માથાકૂટ થઈ હતી, જેમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. જે ઘટનામાં કોર્પોરેટરે યુવકની સાથે રહીને પોલીસ ફરિયાદ દાખલ કરાવેલી. જેનું મનદુઃખ રાખીને આ તોડફોડ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટર ધર્મેશ ગોરને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ઓફિસમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી મામલે કોર્પોરેટર ધર્મેશ ગોરે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.