ગુજરાતમાં ભૂંડ કરડવાથી એક યુવકનું કરુણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે અને મોત પહેલા યુવકને હડકવાની થયેલી ભયંકર અસરનો વીડિયો પણ સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીપરા ગામમાં રહેતા એક યુવકને બે મહિના પહેલા ભૂંડ કરડ્યું હતું. જે બાદ યુવકે સારવાર પણ કરાવી હતી, પરંતુ કોઈ કારણોસર સારવાર અધૂરી રહી ગઈ, જેની ખૂબ જ ગંભીર અસર થઈ. બે મહિના બાદ યુવકને હડકવા થયો. હડકવા થતાં યુવક જ્યાં ત્યાં કૂદકા મારવા લાગ્યો, ગલગોટીયા ખાવા લાગ્યો અને વિચિત્ર હરકતો કરવા લાગ્યો. અને લોકોને કરડવા પણ દોડતો. જેને લઈને તેના પરિવારજનો તથા આસપાસના લોકો પણ તેનાથી ડરવા લાગ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે જોઈને હડકવાની ગંભીર અસર કેવી હોય છે તેનો આપણને ખ્યાલ આવે છે.

ખેતરમાં કામ કરતાં કરડ્યું હતું ભૂંડ
ગરીપરા ગામમાં રહેતો 24 વર્ષીય સુનીલ બારૈયા ખેત મજૂરીનું કામ કરતો હતો. બે મહિના પહેલા ખેતરમાં કામ કરી રહ્યો હતો એ દરમિયાન તેને ભૂંડ કરડી ગયું હતું. જે બાદ સુનીલ બારૈયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ કોઈ કારણોસર સારવાર પૂરી ન થઈ શકી અને તેનું વરવું પરિણામ જોવા મળ્યું. થોડા દિવસો બાદ સુનીલને હડકવા ઉપાડ્યો અને તે વિચિત્ર હરકતો કરવા લાગ્યો. જમીન હોય કે દીવાલ હોય તે માથું પછાડવા લાગ્યો.ઊંધે માથે પછડાવા લાગ્યો અને વિચિત્ર હરકતો કરવા લાગ્યો, તે બીજા લોકોને કરડવા દોડતો જેથી તેને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો. તેની આવી હરકતો જોઈને તેના ઘરના લોકો પણ તેનાથી ડરતા હતા અને અંતે યુવકનું કરુણ મોત નિપજ્યું. સુનીલના મોત પહેલાંનો જે સામે આવેલો વીડિયો સહુને ચોંકાવી દે તેવો છે.

ગામના સરપંચે શું કહ્યું?
ગરીપરા ગામના સરપંચ નું કહેવું છે કે ગામના શ્રમજીવી યુવાન સુનીલ બારૈયાને ખેતરમાં ભૂંડ કરડી ગયું હતું, જે બાદ છેલ્લા થોડા દિવસથી તેને હડકવાની અસર થઈ હતી અને છેલ્લા દિવસોમાં એ અસર વધી ગઈ. તે અન્ય લોકોને પણ કરડવા દોડતો હતો તેથી તેને ના છૂટકે દોરડે બાંધી રાખવો પડ્યો હતો.
વધુમાં સરપંચે કહ્યું કે 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી પરંતુ હડકવાની અસર વધી જતા તે જ્યાં ત્યાં પોતાનું માથું પછાડવા લાગ્યો, ઊંધા માથે પછડાવા લાગ્યો. યુવાન બેકાબૂ બની ગયો હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાનું શક્ય ન બન્યું અને ગઈ કાલે સાંજના સમયે તેનું કરુણ મોત નિપજ્યું.આ ઘટના બાદ સમગ્ર ગરીપરા ગામમાં ભારે શોકનો માહોલ ફેલાઈ ગયો છે. સુનીલના મોત પહેલાંનો જે સામે આવેલો વીડિયો સહુને ચોંકાવી દે તેવો છે.