Homeગુજરાતરાહુલ ગાંધીના નિવેદનને લઈને વિવાદ; ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિવાદ; ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા હિંદુઓ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. બજરંગ દળ અને VHPના કાર્યકરોએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર પહોંચીને રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી નાખ્યા હતા. જ્યારે કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસ કાર્યાલયની દીવાલ કૂદીને તેઓ અંદર ઘૂસી  ગયા હતા. જે બાદ ભાજપની યુવા પાંખ, યુવા મોરચાના સભ્યો પણ કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

ભાજપના કાર્યકરો વિરોધ કરવા આવી રહ્યાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને કોંગ્રેસ કાર્યાલય ખાતે તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસની હાજરીમાં જ ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા  અને નારેબાજી શરૂ કરી દીધી હતી. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય પર હાજર NSUI અને કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા અને કોંગ્રેસ કાર્યાલય બહાર આવી ગયા હતા અને હાથમાં ઝંડા લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસે બંને વચ્ચે દીવાલ થઈ બંને તરફ લોકોને રોકી રહી હતી. પોલીસે બેરિકેડ કરી કોંગ્રેસ કાર્યકરોને રોકી લીધા હતા.

આમ છતાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા અને પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાઈ ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓને પણ પથ્થરો લાગવા માંડતા કેટલાક પોલીસકર્મીઓએ બચવા માટે ત્યાં ઊભેલી ગાડીઓનો સહારો લીધો હતો. એક પોલીસકર્મીને માથામાં પથ્થર વાગતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પથ્થરમારામાં M ડિવિઝન એસીપી એ.બી વાળંદને પણ પગે પથ્થર વાગતા પગમાં ઈજા પહોંચી છે.અંદાજીત 30 મિનિટ જેટલો સમય સામસામે પથ્થરમારો થયો હતો.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે પોલીસે ભાજપના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી, જે બાદ ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને ભાજપના નેતાએ પોલીસની બસ રોકાવી હતી અને ભાજપના કાર્યકરોને પોલીસની બસમાંથી નીચે ઉતારી લઈ ગયા હતા. બીજી તરફ પોલીસે કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. સમગ્ર કોંગ્રેસ ભવનમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કાર્યાલયના બાથરૂમમાં પણ પોલીસ પહોંચી હતી અને બાથરૂમમાં છૂપાયેલા કોંગ્રેસના કાર્યકરોને માર મારીને બહાર કાઢ્યા હતા.

RELATED ARTICLES

Most Popular