અષાઢી બીજના દિવસે એક તરફ રથયાત્રાને લઈને ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ હતો એવા સમયે ડાંગના સાપુતારામાં એક ખાનગી બસ 15 ફૂટ નીચે ખીણમાં ખાબકતાં દોડધામ મચી ગઈ. બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં સાપુતારા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

સુરત ચોક બજારથી રવિવારે વહેલી સવારે 70 પ્રવાસીઓને લઈને બસ સાપુતારા પ્રવાસે આવી હતી. અને સાપુતારાથી પરત સુરત જઈ રહી હતી. હજુ તો બસ સાપુતારાથી 2 કિલોમીટર દૂર પહોંચી અને આ અકસ્માત સર્જાયો.

બસચાલક ટ્રકને ઓવરટેક કરવા જતાં બસ ખીણમાં ખાબકી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ બસમાં અંદાજે 70 પ્રવાસી સવાર હતા. જેમાંથી સુરતના બે બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.