Homeગુજરાતબુટલેગર સાથે ઝડપાઈ મહિલા પોલીસકર્મી; ખાખી થઈ શર્મસાર

બુટલેગર સાથે ઝડપાઈ મહિલા પોલીસકર્મી; ખાખી થઈ શર્મસાર

ખાખી વર્દી પર ઘણા લોકોને વિશ્વાસ છે કે ખાખી અમારું રક્ષણ કરશે. ખાખી હશે ત્યાં કાયદાનું પાલન થશે, ગુનાઓ ઓછા થશે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જે આ ખાખી વર્દીને ડાઘ લગાડે છે અને તેને કારણે સમગ્ર ગુજરાત પોલીસને શર્મસાર થવું પડે છે.

બુટલેગર સાથે ઝડપાઈ મહિલા પોલીસકર્મી

કચ્છમાંથી સામે આવેલી એક ઘટનાએ ગુજરાત પોલીસનું માથું શરમથી નીચું કરી દીધું છે.નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ જે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી હતી તે બુટલેગર સાથે થાર કારમાં ઝડપાઈ છે. જે કારમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા કારમાં જઈ રહ્યા હતા. દારૂ ભરેલી કાર રસ્તા પરથી જઈ રહી હોવાની બાતમી મળતા કચ્છ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી. અને પોલીસ પકડશે તે ડરથી બુટલેગરે પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો. જેને લઈને બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે પકડાયેલી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે.

CID ક્રાઈમમાં ફરજ પર હતી નીતા ચૌધરી

આ સાથે જ નીતા ચૌધરીની વાસ્તવિકતા પણ સામે આવી ગઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે નીતા ચૌધરીની પહોંચ સિનિયર IPSથી લઈને મોટા નેતાઓ સુધીની  છે. નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાત પોલીસમાં જોડાઈ હતી અને હાલમાં તે ગાંધીધામ ફરજ પર છે, જો કે ડેપ્યુટેશનથી જેને CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. આ પહેલાં તે LCBમાં પણ ફરજ બજાવી ચૂકી છે. સામે આવેલી વિગત પ્રમાણે યુવરાજસિંહ અને નીતા ચૌધરી પકડાયા ત્યારે નીતા ચૌધરી રજા પર હતી. અને રોકવાનો પ્રયાસ કરાતાં યુવરાજસિંહે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને નશાની હાલતમાં હોવાની આશંકા હતી. પરંતુ બંનેને પકડીને તપાસ કરવામાં આવતા રિપોર્ટમાં બન્નેએ દારૂ પીધો હોવાનું પુરવાર નથી થયું. એટલે કે પોલીસ પર જાણીજોઈને કાર ચડાવવાનો પ્રયાસ કરાયો હોવાનું લાગી રહ્યું છે અને જો આવું થશે તો બંનેની મુશ્કેલી ઘણી વધી શકે છે.

માથાભારે બુટલેગર સાથે મહિલા પોલીસકર્મીની મિત્રતા

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નીતા ચૌધરીનો પતિ રાજકારણ સાથે જોડાયેલો છે. યુવરાજસિંહ ભચાઉ તાલુકાના ચીરઈ ગામનો વતની છે અને તે માથાભારે બુટલેગર છે. યુવરાજસિંહ જાડેજાની ઉંમર 30 વર્ષની છે અને તેની સામે 21 જેટલા ગુના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા છે. જેમાં મોટા ભાગના ગુના દારૂને લગતા છે. આ ઉપરાંત તેની સામે ભચાઉ પોલીસ સ્ટેશને 2021માં હત્યાના પ્રયાસ સહિતના ગુના પણ નોંધાયેલા છે. નીતા ચૌધરી જ્યારે LCBમાં ફરજ બજાવતી હતી ત્યારે યુવરાજસિંહ સાથે સંપર્કમાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મિત્રતા ધીરે-ધીરે વધતી ગઈ હતી. એક બુટલેગર સાથે મહિલા પોલીસકર્મીની મિત્રતા છેલ્લા ઘણા સમયથી કચ્છ પોલીસવર્તુળમાં ચર્ચાઈ રહી હતી. જોકે સ્વચ્છંદી નીતાને તેનાથી કોઈ ફરક પડતો નહોતો.

કઈ રીતે પકડાયા બુટલેગર અને મહિલા પોલીસકર્મી?

ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના 4 જેટલા ગુનામાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાકી હતી, તેથી પોલીસ યુવરાજસિંહ પર વોચ રાખીને બેઠી હતી. 30 જૂને પોલીસને બાતમી મળી હતી કે યુવરાજસિંહ સફેદ રંગની થાર લઈને સામખિયાળીથી ગાંધીધામ તરફ જઈ રહ્યો છે. જેથી તેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી. પોલીસની એક ટીમ ખાનગી કારમાં યુવરાજસિંહની થારનો પીછો કરી રહી હતી. જેનો અંદાજ આવી જતાં યુવરાજસિંહે કાર ભગાવી. આગળ ભચાઉના પીએસઆઈ ડી.જે.ઝાલાની ટીમ ચોપડવાના ઓવરબ્રિજ નીચે ઊભી હતી. યુવરાજસિંહ જાડેજા થાર લઈને નજીક પહોંચતા પીએસઆઈ ઝાલાએ દંડો બતાવી કાર ઊભી રાખવા ઈશારો કર્યો એ દરમિયાન એલસીબીની ટીમ પણ ત્યાં આવી ગઈ. જેથી ભીંસમાં આવી ગયેલા યુવરાજસિંહે પોલીસથી બચવા માટે પોલીસની એક ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો. જેમાં પીએસઆઈ અને અન્ય એક પોલીસકર્મી પણ કારની ઝપટે આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે પીએસઆઈ ઝાલાએ તરત જ યુવરાજસિંહની ગાડી પર ફાયરિંગ કરતાં તે ગભરાઈ ગયો અને કાર રોકી દીધી. થારમાં કાળા રંગના કાચ હતા. કાર ઊભી રાખ્યા બાદ પણ તેણે કાચ નીચે ન ઉતાર્યા. જેથી અંદર કોણ કોણ છે તેનો ખ્યાલ આવી શકે તેમ નહોતો.  અંતે, પોલીસે કારના કાચ તોડીને યુવરાજસિંહને દબોચી બહાર કાઢ્યો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ અંદર બેઠેલી પોલીસકર્મી નીતા ચૌધરીને જોઈને ચોંકી ઊઠ્યા હતા. પોલીસે થારની તપાસ કરતાં અંદરથી બિયર ઉપરાંત વિદેશી દારૂની મળીને કુલ 18 બોટલ મળી આવી હતી.

નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાને ઝડપી લેવાયા બાદ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. જો કે આ દરમિયાન નીતા ચૌધરીના ચહેરા પર જરા પણ અફસોસ જેવું દેખાતું નહોતુ. ઊલટું તે તો કેમેરા  સામે સ્મિત આપતી નજરે પડી હતી.

સોશિયલ મીડિયા પર સક્રિય નીતા ચૌધરી

બુટલેગર સાથે ઝડપાયેલી પોલીસ મહિલાકર્મી નીતા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 54 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે અવારનવાર રીલ બનાવતી રહે છે. જેમાં તેણે સફેદ થાર ગાડી સાથે પણ રીલ બનાવેલી છે. મહિલા પોલીસકર્મી અને બુટલેગર સામે કેવી કાર્યવાહી થશે? આ કેસમાં હવે બુટલેગર યુવરાજસિંહ સાથે નીતા ચૌધરી બરોબર ફસાઈ ચૂકી છે.  તે લગભગ 9 વર્ષથી પોલીસ ખાતામાં છે. પોતાને કાયદા અને ગુના બાબતે સારી રીતે જાણકારી હોવા છતાં તેણે બુટલેગર યુવરાજસિંહને પોલીસ પર કાર ચઢાવતા કેમ ન રોક્યો તે સવાલ છે. આ કેસમાં હવે આગળ કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

Most Popular