Homeગુજરાતએકસાથે 100થી વધુ બાળકો પડી ગયા બીમાર; તંત્ર થયું દોડતું

એકસાથે 100થી વધુ બાળકો પડી ગયા બીમાર; તંત્ર થયું દોડતું

છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાંટમાં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલના 100 જેટલા બાળકો એક સાથે બીમાર પડતાં દોડધામ મચી ગઈ. બીમાર પડેલા બાળકો પૈકી 46 બાળકોને તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને 44 બાળકને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ અને પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઘટના અંગે જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા બાળકો બીમાર પડવા અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી. ઉપરાંત વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી 9 ડોક્ટરની ટીમ તપાસ માટે છોટાઉદેપુર પહોંચી ગઈ હતી. અને બાળકો ક્યા કારણોસર બીમાર પડ્યા તે અંગે તપાસ શરૂ કરી હતી. સવારથી જ બાળકોએ તાવ અને માથામાં દુખાવાની તેમજ ઊલટી થવાની ફરિયાદ કરી હતી. બાળકોએ રાત્રે સેવ ટમેટાનું શાક ખાધું હતું અને સવારે બટેટા – પૌવાનો નાસ્તો કર્યો હતો. જેના થોડા સમય બાદ બાળકોને બાળકોની તબિયત બગડવા લાગી હતી.

એકસાથે 100 બાળક કયા કારણથી બીમાર પડ્યા એ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલનાં 325 બાળકનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ વડોદરાથી આવેલા 9 ડોક્ટરોની ટીમ દ્વારા પણ હોસ્પિટલમાં દાખલ  તેમજ હોસ્ટેલમાં રહેલાં બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફૂડ પોઈઝનિંગને કારણે બાળકોની તબિયત લથડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લીધા બાદ જણાવ્યું કે   હોસ્ટેલમાં બાળકોનું સ્ક્રીનિંગ કરતાં જે બાળકોને તાવનાં લક્ષણો વધારે છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે. અન્ય કોઈ ગંભીર લક્ષણો નથી, પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે તેવી વ્યવસ્થા કરી છે.

RELATED ARTICLES

Most Popular