ચોટીલામાં છેલ્લા થોડા સમયથી રજાના દિવસોમાં બંધ મકાનમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે આ બાબતે ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ચોટીલાવાસીઓને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. ચોટીલાના પીઆઈ આઈ.બી. વલવીએ ચોટીલાવાસીઓ જોગ એક સંદેશ આપ્યો છે જેમાં તેમણે લોકોને જાગૃત રહેવા જણાવ્યું છે.
સંદેશમાં તેમણે લખ્યું છે કે પોલીસ તસ્કરોને પકડવાની કામગીરી કરી જ રહી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કે પરિવાર રજાના દિવસોમાં બહાર જાય તો તેઓ પોતાના ઘરમાં સોના, ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમ રાખવાનું ટાળે. આ ઉપરાંત રાત્રિના સમયે જો કોઈ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો લોકો પોલીસ સ્ટેશનમાં જાણ કરે. લોકોને થોડી જાગૃતતા સાથે પોલીસ સાથે સંકલનમાં કામ કરવાની તેમણે અપીલ કરી છે. જેથી પોલીસને પણ મદદ મળી રહે.

મહત્વનું છે કે તસ્કરો ખાસ કરીને બંધ મકાનોને વધુ નિશાન બનાવતા હોય છે. કોઈ ઘરને એક, બે દિવસથી તાળુ હોય અને તહેવાર કે રજાના દિવસો હોય તો એ મકાનની દિવસે રેકી કરીને રાત્રિના સમયે તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે પીઆઈ દ્વારા આ સંદેશ આપવામાં આવ્યો છે.