ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. જેને લઈને વાહનચાલકો ભારે હાલાકીમાં મૂકાઈ ગયા છે. અમદાવાદથી રાજકોટ વચ્ચેના આ મુખ્ય હાઈવે પર ખાડાઓ પડી ગયા છે. જેને કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. હાઈવે પર મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાળવી જાળવીને વાહન ચલાવવું પડતું હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે.

સ્થાનિકોનું માનીએ ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે. અને તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે. જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે છે. અને જો ભારે વરસાદ હોય તો મોટા મોટા ખાડાઓ પડી જાય છે. જેથી ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે.
આ પણ વાંચો – વધુ એક લગ્નવાંછુ યુવક બન્યો લૂટેરી દુલ્હનનો શિકાર; લગ્નના ચાર દિવસમાં યુવતી પલાયન

હાઈવે પર ટોલ ટેક્સ ભરવા છતાં હાઈવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે તેને લઈને વાહનચાલકો સવાલ કરી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી, વાહનોમાં થતું નુકસાન, બગડતું ઈંધણ અને બગડતા સમય માટે કોણ જવાબદાર તેવો સવાલ તેઓ કરી રહ્યા છે.
