ચોટીલાના મામલતદાર વી.એમ. પટેલની બદલી કરવામાં આવી છે. નિષ્ઠાવાન અને પ્રામાણિક મામલતદારની બદલી થતાં તાલુકાના અનેક અરજદારો અને આગેવાનોમાં નિરાશા જોવા મળી રહી છે. બદલી બાદ વી.એમ. પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જ્યાં ડેપ્યુટી કલેક્ટર સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ તાલુકાના જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ પુષ્પવર્ષા કરી, બાળાએ કંકુ તિલક કરીને વી.એમ. પટેલને વિદાય આપી. તેમને ફૂલહાર પહેરાવીને માતાજીની છબિ પણ ભેટ સહિત અન્ય ભેટ પણ આપવામાં આવી.

ચોટીલામાં મામલતદાર વી.એમ પટેલે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી સંભાળી હતી. નાનામોટા માણસોનો ભેદભાવ કર્યા વિના પ્રમાણિકતાપૂર્વક અરજદારોની કામગીરી કરી હતી. ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવનાર અધિકારીની બદલીના સમાચાર મળતાં ઘણાં અરજદારો નિરાશ થઈ ગયા છે.

સરળ અને હસમુખ સ્વભાવના વી.એમ. પટેલના કામથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ પ્રભાવિત હતા. ઓફિસમાં જરૂર પડ્યે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપતાં. જેથી ઓફિસના સ્ટાફને પણ તેમના પ્રત્યે આદર હતો.આવા અધિકારીની બદલી થતાં સ્ટાફના કર્મચારીઓ પણ નિરાશ જેવા થઈ ગયા છે.