ચોટીલામાં નવા સૂરજદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 28 એપ્રિલના દિવસે સવારે ઉપવાસની શરૂઆત થશે. જેમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો જોડાશે.
વર્ષ 1690-91માં મુઘલ સામ્રાજય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાત ખાં એ જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો હતો. જે દરમિયાન પોતાના ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણનું મંદિર બચાવવા કાઠીઓએ 3 દિવસ સુધી મુઘલ સેના સાથે યુદ્ધ કર્યું હતું. જે યુદ્ધમાં ઘણા કાઠી વીરો શહીદ થયા હતા.

જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે વૈશાખ સુદ એકમથી ચતુર્થીના બપોર સુધી સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખવામાં આવે છે. છેલ્લા 700 વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે.

જે પ્રમાણે આગામી 28 એપ્રિલથી પહેલી મે સુધી આ સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવામાં આવશે. ઉપવાસના પ્રથમ દિવસે નાવા થી નવા સુરજદેવળ મંદિર સુધી વાજતે ગાજતે સૂર્યરથ સાથે શોભાયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં અશ્વસવારો અને કાઠી ક્ષત્રિય સમાજના તેમજ અન્ય શ્રદ્ધાળુઓ જોડાશે.

શોભાયાત્રામાં જોડાનારા અશ્વ સવારોને મંદિર તરફથી સાફો આપવામાં આવશે. જે સાફો તેમણે ફરજિયાત બાંધવાનો રહેશે. શોભાયાત્રામાં વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અશ્વોને શાંતિથી અને શિસ્ત સાથે ચલાવવાની અશ્વસવારોને સૂચના આપવામાં આવી છે. શોભાયાત્રમાં જોડાવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.