Homeગુજરાતચોટીલા નગરપાલિકા સામે ઋત્વિક મકવાણાના ગંભીર આક્ષેપ; ભાજપના નેતાના ફાયદા માટે...

ચોટીલા નગરપાલિકા સામે ઋત્વિક મકવાણાના ગંભીર આક્ષેપ; ભાજપના નેતાના ફાયદા માટે કામ કરતી હોવાનો આક્ષેપ

સ્થાનિક નગરપાલિકાનો વહીવટ જાણે ખાનગી મિલકત હોય તેમ ચાલી રહ્યો છે. આવો આક્ષેપ કર્યો છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ…ચોટીલામાં મનહર પાર્કમાં તંત્ર દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં અત્યારે કોઈ રહેણાંક મકાન નથી. ત્યારે આ વાતને લઈને ઋત્વિક મકવાણાએ કહ્યું કે ચોટીલા શહેરમાં ઘણી જગ્યાએ રોડ બનાવવાની જરૂર છે. ઘણી જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. તેની મરમ્મત નથી થતી. પરંતુ ભાજપના હોદ્દેદારો અને તેમના મળતિયા ખાનગી બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હોય તેઓ બોલવા તૈયાર નથી થતા હોતા. ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર લોકોએ અવાજ ઊઠાવવાની જરૂર છે.

સારો રોડ તોડી નબળો રોડ બનાવ્યાના આક્ષેપ
ચોટીલા શહેરમાં રોડની સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકો પણ પરેશાન છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં જ્યાં જરૂર છે ત્યાં રોડ બનાવવામાં નથી આવી રહ્યા અને અન્ય જગ્યાએ સીસી રોડ બનવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં લોખંડના સળિયા વાળો જે રોડ હતો તે તોડીને તેની જગ્યાએ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જે કામગીરીનો પણ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અને નવો રોડ બનાવ્યા બાદ તેમાં ખાડાઓ પડવા લાગ્યા છે. રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે.

મનહર પાર્ક ભાજપના નેતાની જગ્યા હોવાની ચર્ચા
આ ઉપરાંત મનહર પાર્ક સોસાયટીમાં સીસી રોડ બનાવવામ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. એક તરફ વડાપ્રધાને ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરીને વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. પરંતુ ચોટીલામાં ભાજપના જ નેતાઓના લાભાર્થે તંત્ર દ્વારા જ વૃક્ષો કાપવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે વન વિભાગની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ અને જો હા તો આવી પરવાનગી કોણે આપી હતી. તેવો પણ સવાલ થઈ રહ્યો છે. વૃક્ષો કાપનાર સામે પગલાં લેવાની પર્યાવરણ પ્રેમીઓએ માગ કરી છે. મનહર પાર્કની જગ્યા રાજકોટ ભાજપના નેતાની હોવાનું અને તેને કારણે ચોટીલા5 તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધાઓ અપાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular