ચોટીલા સ્માર્ટ પોલીસ સામે રીઢા ગુનેગારને છાવરવાનો આક્ષેપ લાગ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કેટલીક મહિલાઓએ પોલીસની નીતિ રીતિ સામે સવાલો ઊઠાવીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારની કેટલીક મહિલાઓ અવેશ ગની નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને સાથે પેટ્રોલ લઈ આવીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે મહિલા પોલીસે તેમની પાસેથી પેટ્રોલની બોટલ લઈ લીધી હતી. મહિલાઓનું કહેવું છે કે અવેશ ગની નામનો શખ્સ તેમના ઘર પાસે આવીને ગાળાગાળી કરીને ધમકી આપે છે અને ખંડણી માગે છે.

અગાઉ પણ અવેશ ગની વિરુદ્ધ સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, પરંતુ કડક કાર્યવાહી કરવાને બદલે રૂપિયાનું સેટિંગ કરીને પોલીસ અવેશ ગનીને છોડી મૂક્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

કાં તો પોલીસ અવેશ ગની થી ડરી ગઈ છે કાં તો અવેશ ગનીએ આપેલા રૂપિયાના ભારથી પોલીસ કાર્યવાહી નથી કરી રહી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મીઓ જ રૂપિયાની લાલચમાં અવેશને છાવરતા હોવાનો તેમનો આક્ષેપ છે. અવેશ ગની તેમની હત્યા કરી નાખશે એવો સ્થાનિકોને ડર લાગી રહ્યો છે. ત્યારે પોલીસ અવેશ ગનીની ધરપકડ કરીને તેની સામે કડક કાર્યવાહી કરે તેવી તેમની માગ છે.

જો અવેશ સામે કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન પર આવીને આત્મવિલોપન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ સમગ્ર મામલે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો અવેશ ગની સાથે કેટલાક પોલીસકર્મીઓ સંપર્કમાં હોવાનું સામે આવી શકે છે અને તેમની નોકરી પણ જઈ શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

