HomeગુજરાતSMCના દરોડા બાદ ચોટીલા પોલીસ દોડતી થઈ; 59 લાખ રૂપિયાથી વધુની કિંમતનો...

SMCના દરોડા બાદ ચોટીલા પોલીસ દોડતી થઈ; 59 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત

છેલ્લા થોડા દિવસોમાં ચોટીલા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. 31 ડિસેમ્બર પહેલાં હાઈવે પરથી ચોટીલા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાઈવે પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો એ દરમિયાન રાજસ્થાન પાસિંગની એક ટ્રક શંકાસ્પદ જણાઈ. જેને લઈને ટ્રક ચાલકને રોકીને ટ્રકમાં તપાસ કરવામાં આવી. ટ્રકમાં તપાસ દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી.

પોલીસે 59 લાખ રૂપિયાથી વધુની કિંમતની 59 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરીને રાજસ્થાનના વતની ઓપારામ સારણ નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, જથ્થો મગાવનાર સહિત ગુના સાથે સંકળાયેલા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ મળીને પોલીસે 64 લાખ 73 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ચોટીલા પોલીસે લાખો રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો
ચોટીલા પોલીસે લાખો રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એસએમસીએ નાવા ગામ પાસે દરોડો પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં ભાજપના નેતાઓની સંડોવણી પણ સામે આવી છે. એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે હવે ચોટીલા પોલીસે પણ દારૂની હેરફેર અને વેપલા સામે લાલ આંખ કરી છે.

RELATED ARTICLES

Most Popular