આસો મહિનાની નવરાત્રિના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. માઈભક્તો માતાજીની આરાધનાના અવસરની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચોટીલાના શ્રી રાજ નાગણેચી ગ્રુપના ક્ષત્રિય યુવાનો મા આશાપુરાના દર્શન કરવા માટે પગે ચાલીને માતાના મઢ જવા રવાના થયા છે.
ચોટીલાના ક્ષત્રિય સમાજ ના પ્રમુખ મયુરસિંહ રાઠોડ તથા શ્રી રાજ નાગણેચી ગ્રુપ દ્વારા સતત 19મા વર્ષે માતાના મઢ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચોટીલાનાં રાજ નાગણેશ્વરી ગ્રુપના 14 યુવાનો જોડાયા છે. જય મા મઢ વાળીના નાદ સાથે તેઓ માતાના મઢ જવા રવાના થયા છે. નવરાત્રિના પ્રથમ દિવસે તેઓ માતાના મઢ પહોંચશે અને માતાજીના દર્શન કરીને પરત ચોટીલા ફરશે.

ઉલ્લેખનીય છે કે શ્રી નાગણેચી ગ્રુપ દ્વારા ચોટીલાથી માતાનામઢ સુધી પગપાળા સંઘનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાય છે અને પ્રથમ નોરતે માતાના મઢ પહોંચી મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મહત્વનું છે કે કચ્છમાં માતાના મઢ ખાતે મા આશાપુરાના બેસણાં છે. આ સ્થાન કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિમાં લાખો ભાવિકો માતાના મઢ જઈને મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
