યુવકની લાશ મળી આવવાની ઘટનાના બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ બનતા ચોટીલા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ચોટીલાના મફતિયા પરામાં એક પરિણીત પુરૂષની હત્યા કરવામાં આવી છે. અને આ હત્યા તેની પત્નીએ જ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મફતિયા પરામાં રહેતા પુરુષને દારૂ પીધા બાદ તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા તેની જ પત્નીએ તેને મોતને ઘાટ ઉતારી નાખ્યાની ચર્ચા છે.
હજુ તો બુધવારે યુવકની લાશ મળી આવવાની ઘટનાની તપાસ ચાલી રહી છે. એ બનાવમાં પણ યુવકની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે. જો એ સાચું હોય તો ચોટીલામાં 24 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા છે. બીજા બનાવમાં દારૂની બદી અને તેની પાછળ પોલીસ ની નિષ્ક્રિયતા કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચોટીલામાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ચોટીલામાં ફરી જૂના અને અનુભવી પોલીસ અધિકારીઓ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે.
