ચોટીલામાં જલારામ મંદિર સામેના તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઊઠી છે. આ વખતે ચોટીલામાં પડેલા વરસાદને કારણે ચોટીલાના તળાવનો પાળો તૂટી ગયો છે. અને પાણી બહાર આવી રહ્યા છે. તળાવમાંથી નીકળેલા પાણી નજીકના મુળાવાવના ચામુંડા માતાજીના મંદિરમાં ઘૂસી ગયા છે.
ત્યારે તળાવની કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી હોવાનું ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ચોટીલા નગર પાલિકાના પૂર્વ ચેરમેન છબીલ વાઘેલાનું કહેવું છે.
છબીલ વાઘેલાનું કહેવું છે કે ચોટીલામાં તળાવના બ્યૂટિફિકેશનનો પ્રોજેક્ટ 2017માં લાવવામાં આવ્યો હતો. જે બાદ ટેન્ડર બહાર પાડવમાં આવ્યા બાદ આશરે દોઢ વર્ષ જેટલા સમયથી તળાવનું બ્યૂટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આમ છતાં આ કામગીરી હજુ પૂરી નથી થઈ. ઉપરાંત જે એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. તેણે ટેન્ડરમાં દર્શાવેલા વિસ્તાર કરતાં 70 થઈ 80 ટકા જેટલા વિસ્તારમાં જ બ્યૂટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. અને જે ગુણવત્તાનું કામ થવું જોઈએ એ કામ નથી થયું તેને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું તેમનું કહેવું છે.

તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું કહેવું છે કે આટલા વરસાદમાં જ તળાવ તૂટી ગયું એ ભ્રષ્ટાચાર થયાનું સાબિત કરે છે અને જે કાંઈ ભ્રષ્ટાચાર થયાના પુરાવાઓએ આજે જળ સમાધિ લઈ લીધી છે.