ચોટીલામાં ફરી વખત રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. રખડતા આખલાએ અડફટે લેતા એક મહિલા સફાઈ કર્મીને ગંભીર ઈજા પહોંચી છે. જેને લઇને મહિલા સફાઈ કર્મીને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ લઈ જવામાં આવી. ચોટીલા નગરપાલિકામાં રોજમદાર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન વાળોદરા આણંદપુર રોડ ખાતેની મુખ્ય બજારમાં સફાઈ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક આવેલા આખલાએ તેમને શીંગડું મારી પછાડી દીધા. જેને લઇને તેમને ગંભીર ઈજા પહોચી. પહેલાં તેમને ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે તેમને વાંકાનેરની હોસ્પિટલ લઈ જવા પડ્યા. જ્યાં તેમને 70 થી વધુ ટાંકા આવ્યા છે.
રખડતા પશુઓને અંકુશમાં લેવાની વાતો તો તંત્ર દ્વારા મોટે મોટે થી કરવામાં આવે છે પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિને ઈજા કે નુકસાન નથી થતું ત્યાં સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા નથી મળતી. ચોટીલાની આ ઘટનામાં જવાબદારી કોની તે સવાલ થાય છે? બીજી તરફ સફાઈ કામદારોનું કહેવું છે કે ચાલુ નોકરી દરમિયાન ઈજા કે જાનહાનિ થાય તો સરકારી કર્મચારીને મળતા વીમા સહિતના લાભ તેમને પણ મળવા જોઈએ.
