31 ડિસેમ્બર પહેલાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરી વખત લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે જપ્ત કરવામાં આવેલા આ દારૂના જથ્થામાં સ્થાનિક ભાજપના નેતાનું નામ સામે આવતા ચોટીલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ચોટીલા તાલુકાના નાવા ગામ પાસે આવેલા કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાના ખેતરમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની જાણ થતાં એસએમસીની ટીમે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન 31 લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 5 હજાર 433 બોટલ જપ્ત કરવામાં આવી. આ ઉપરાંત ટેન્કર સહિત 35 લાખની કિંમતના 3 વાહનો પણ જપ્ત કરાયા. કુલ મળીને એસસેમસીની ટીમે 65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વિજય મંગાભાઈ ચૌહાણ નામના એક શખ્સની ધરપકડ કરીને ચોટીલા પોલીસને સોંપ્યો. જો કે કેટલાક આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવીને પિકઅપ વાન લઈને ખેતરમાંથી નાસી છૂટ્યા હતા.

એસએમસીએ રાજુ શિવા પરાળીયા, ચતુર શિવા પરાળીયા, રાહુલ બાબરીયા ઉર્ફે ઢબુ, મુકેશ ઉર્ફે મુકો હકાભાઈ કોળી તથા નાસી જનાર આરોપીઓ અને ત્રણ વાહનોના માલિક તથા ડ્રાઇવર તેમજ દારૂ મંગાવનાર અને દારૂ મોકનાર મળીને કુલ 10 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા. એસએમસીના દરોડા બાદ સ્થાનિક ચોટીલા પોલીસ પણ હરકતમાં આવી. નાની મોલડીના સીમ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી મળતાં ચોટીલા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પડતર જમીનમાં રાખેલા દારૂના જથ્થાને જપ્ત કર્યો. જ્યાંથી પોલીસે 540 ઈંગ્લિશ દારૂની બોટલ, 384 બિયરના ટીન મળી કુલ 3 લાખ 15 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અરવિંદ બારૈયા નામના ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.
બીજી તરફ એસએમસીના દરોડા દરમિયાન પિકઅપ વાનમાં કટિંગ કરેલો દારૂનો જથ્થો લઈને નાસી જનાર શખ્સ સુરેશ જીવણભાઈ મકવાણાને પણ ઝડપી પાડી, ઇંગ્લિશ દારૂની 1128 બોટલ,અને 2500 રોકડ, પિકઅપ વાન અને સ્કોર્પિયો મળી કુલ 13 લાખ 46 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

ચોટીલા પંથકમાં થોડા મહિનામાં જ એસએમસી દ્વારા આ પાંચમો દરોડો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. એસએમસીની કામગીરી બાદ કેટલાક સ્થાનિક પોલીસકર્મીઓ સામે પગલાં લેવાય તેવી પણ શક્યતા છે. તો ઝડપાયેલા દારૂના જથ્થામાં આરોપીઓ પૈકી ચતુરભાઈ પરાલીયા ભાજપના નેતા અને તાલુકા પંચાયતના સદસ્ય છે. જ્યારે સુરેશ મકવાણા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય અને પૂર્વ પ્રમુખનો પુત્ર છે. આમ દારૂની હેરફેરમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવતા રાજકારણની આડમાં સુરેન્દ્રનગરમાં દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચાઓ થઈ રહી છે અને કડકડતી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.