રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ મુશ્કેલી સર્જાય છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના, ક્યાંક રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એવામાં ચોટીલાથી હબીયાસર તરફ જતો પુલ ધડાકાભેર તૂટી ગયો છે. જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. પુલ ધરાશાયી થયો ત્યારે આસપાસ કેટલાક લોકો હતા. જેમને અંદાજો આવતા જ તેમણે મોબાઈલનો કેમેરા ચાલુ કરી દીધો અને તૂટી પડતા પુલના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા.
જો કે સદનસીબે લોકો થોડા દૂર હોઈ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પુલ તૂટી પડતાં હબીયાસર અને ઝુંપડા નાનીયાણી ગામ તરફનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે પુલ બનાવવામાં આવ્યાને બહુ વધારે સમય નથી થયો. તેથી પુલની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયાનું લાગી રહ્યું છે. પુલના બાંધકામમાં ગુણવત્તા જળવાઈ ન હોવાનો લોકોનો આક્ષેપ છે.
