ચોટીલામાં તળેટી ખાતે ભિક્ષાવૃત્તિ કરતા કિન્નરો રોષે ભરાયા હતા અને હાઈ વે પર જઈ કિન્નરો દ્વારા વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઇને રોડની બંને તરફ વાહનોની કતાર લાગી ગઈ હતી અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. કિન્નરોનો આક્ષેપ છે કે ચોટીલા તળેટીના માતાજીના મંદિરના સિક્યુરિટી ગાર્ડ તેમને ભિક્ષાવૃત્તિ કરવા નથી દઈ રહ્યા. જો તેઓ ભિક્ષાવૃત્તિ કરે છે તો મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો કહી તેમને માર મારવામાં આવે છે. જેને લઇને કિન્નરોમાં આક્રોશ છે.

કિન્નરોએ પોલીસ મથકે જઈને આ અંગે પીઆઈ સમક્ષ પણ રજૂઆત પણ કરી હતી. કિન્નરોનું કહેવું છે કે ઘણા ધાર્મિક સ્થળો પર કિન્નરો ભિક્ષા વૃત્તિ કરે છે . ત્યારે ચોટીલામાં તેમને પણ ભિક્ષા વૃત્તિ કરવા દેવામાં આવે.
મહત્વનું છે કે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દરરોજ અને ખાસ કરીને પૂનમ તથા અન્ય તહેવારો ટાણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. નવરાત્રીના દિવસોમાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે કિન્નરો ભક્તો પાસે ભિક્ષાવૃત્તિ કરે છે અને આશીર્વાદ આપી એમની પાસેથી મળતી રકમમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. જો તેમને ભિક્ષા વૃત્તિ કરવા દેવામાં નહીં આવે તો તેઓ તેમનું ગુજરાન કઈ રીતે ચલાવશે તેવો તેમનો સવાલ છે.