દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક ઈમારતના બીજા માળેથી એસીનું આઉટડોર યુનિટ પડતાં એક યુવકનું કરુણ મોત થયું છે.જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. શનિવારે, 17 ઓગસ્ટના સાંજે આશરે 7 વાગ્યા આસપાસના આ ઘટના બની. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો – પૂરઝડપે જતી કાર તળાવમાં ખાબકી, ચાર વિદેશી વિદ્યાર્થીઓ લાપતા
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઈમારતની નીચે એક યુવક સ્કૂટર પર બેઠો છે. અને તેની પાસે તેનો એક મિત્ર ઊભો છે. બંને મિત્રો વાતો કરી રહ્યા છે અને પછી બંને એકબીજાને ગળે મળે છે. એવા સમયે અચાનક ઈમારતના બીજા માળ પરથી ACનું આઉટડોર યુનિટ પડે છે. સ્કૂટર પર બેઠેલા યુવકના માથા પર એ યુનિટ પડે છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ઘટના બાદ બંને યુવકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા,જ્યાં સ્કૂટર પર બેઠેલાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો.જ્યારે તેના મિત્રને હાથમાં ઈજા પહોંચી છે.
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આ બનાવ બન્યો. બે યુવાનો ડીબીજી રોડના ડોરિવલન વિસ્તારમાં સાંજના સમયે વાત કરી રહ્યા હતા.વાત કરતી વખતે અચાનક સ્કૂટર પર બેઠેલા યુવકના માથા પર એક મોટી વસ્તુ પડી.ગંભીર ઈજા થતાં સ્કૂટર પર બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. પહેલાં તો ખ્યાલ જ ન આવ્યો કે શું પડ્યું. પછી નજીક ઊભેલા મિત્રએ જોયું,ત્યારે ખ્યાલ આવ્યો કે એ એસીનું આઉટડોર યુનિટ હતું. જે બીજા માળેથી યુવાનના માથા પર પડ્યું હતું. મૃતક યુવકનું નામ જીતેશ હતું જે ડોરિવલનનો રહેવાસી હતો. જેની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે તેના મિત્રનું નામ પ્રાંશુ પટેલ છે જેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાંશુની ઉંમર 17 વર્ષની છે.
દિલ્હી પોલીસે આ મામલે ફ્લેટના માલિક સામે ગુનો દાખલ કર્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે બારી બહાર લાગેલા એસીના આઉટડોર યુનિટનું સ્ટેન્ડ તૂટી ગયું હોવાથી આ ઘટના બની હતી.
મહત્વનું છે કે આપણે ગરમીથી બચવા માટે એસી તો લઈ લઈએ છીએ પણ તેને યોગ્ય જગ્યાએ લગાવવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો એસીના પરફોર્મન્સ પર તો અસર પડી શકે છે અને આવા બનાવનું પણ જોખમ રહે છે.

સામાન્ય રીતે એસી બે પ્રકારના આવે છે. એક વિન્ડો એસી અને બીજું સ્પ્લિટ એસી. વિન્ડો એસીમાં સિંગલ યુનિટ હોય છે, જે વિન્ડો પર જ ફીટ કરવામાં આવે છે. તેથી આ એસીમાં બહુ સમસ્યા નથી રહેતી. તેમ છતાં, વિન્ડો AC ફીટ કરતી વખતે, વિન્ડોની મજબૂતાઈ તપાસવી આવશ્યક છે. જ્યારે, સ્પ્લિટ એસીમાં બે યુનિટ આવે છે. એક ઇન્ડોર યુનિટ – જે રૂમની અંદર રહે છે જેમાંથી આપણને હવા આવે છે. અને બીજું આઉટડોર યુનિટ જે બહારની તરફ લગાવવામાં આવે છે. આ આઉટડોર યુનિટ લગાવતી વખતે ખાસ તકેદારી રાખવી જરૂરી બની જાય છે. તેનું સ્ટેન્ડ મજબૂત હોવું જોઈએ. જેથી એસીનું યુનિટ નીચે પડવાનું જોખમ ન રહે.