દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે તબાહી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં વરસાદ પછી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ યલ્લો ચેતવણી આપી છે.

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 338 માર્ગો બંધ થઈ ગયા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તેમણે કહ્યું કે કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં 31 જુલાઈએ આવેલા પૂર પછી ગુમ થયેલા લગભગ 30 લોકોને શોધવા માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ મોટી સફળતા મળી નથી.

27 જૂનથી 9 ઓગસ્ટની વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને રાજ્યને લગભગ 842 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે શિમલામાં 104, મંડીમાં 71, સિરમૌરમાં 55, કુલ્લુમાં 26, સોલન અને લાહૌલ અને સ્પીતિમાં સાત, કિન્નરમાં પાંચ, કાંગડામાં ચાર અને બિલાસપુર જિલ્લામાં એક માર્ગ બંધ છે . સમગ્ર રાજ્યમાં 338 રસ્તાઓ બંધ છે.
ઉત્તરાખંડમાં વરસાદના કારણે ભારે તબાહી
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના રોડને તેમજ 20 જેટલા પુલને નુકસાન થયું છે. આ સિવાય 50થી વધુ લોકોના મોત પણ થયા છે. એક હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. કેદારનાથ, ટિહરી, ચમોલી, ઉધમ સિંહ નગર, બાગેશ્વર, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, ઉત્તરકાશી, દરેક જગ્યાએ ચોમાસાનો વરસાદ આફત બની ગયો છે. જેના કારણે ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે રસ્તાઓથી લઈને ઘરો સુધી ઘણું નુકસાન થયું છે.
બેંગલુરુમાં વરસાદ બાદ અનેક સ્થળોએ પાણી ભરાયા
સોમવારે સવારે પડેલા વરસાદ બાદ બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ઓફિસે જતા લોકો તથા શાળા, કોલેજે જતા બાળકો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને શહેરના ઉત્તર અને પૂર્વ ભાગોમાં આ સ્થિતિ સર્જાઈ હતી. નાગાવારા જંક્શન અને હેબ્બલ વચ્ચેના આઉટર રિંગ રોડ પર, ઈલેક્ટ્રોનિક્સ સિટી રોડ પર, વીરસાંદ્રા અને હોસુર રોડ પર તથા બેનરઘટ્ટા રોડના કેટલાક ભાગોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વરસાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી.

રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત
રાજસ્થાનમાં જયપુર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 24 કલાકમાં દૌસાના રામગઢ પચવાડામાં સૌથી વધુ 258 મીમી વરસાદ નોંધાયો છે. જયપુરમાં 118 મીમી વરસાદ વરસ્યો. જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે સોમવારે જયપુર, ભરતપુર, સવાઈ માધોપુર, કરૌલી અને દૌસા સહિત ઘણા જિલ્લાઓની શાળાઓમાં રજાની જાહેરાત કરી હતી.

પંજાબ અને હરિયાણામાં પણ હાલાકી
પંજાબ અને હરિયાણામાં રવિવારે ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણા સ્થળોએ પાણી ફરી વળ્યા હતા. વાહનોમાં જતા લોકોને રસ્તાઓ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હરિયાણાના યમુનાનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને સોમ નદીમાં પૂર આવ્યું હુતું. અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ચંદીગઢ, મોહાલી, લુધિયાણા, પટિયાલા, અમૃતસર, હોશિયારપુર, રૂપનગર અને અંબાલા સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.

અંબાલા, લુધિયાણા, મોહાલી અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના અહેવાલ મુજબ, બંને રાજ્યોની સામાન્ય રાજધાની ચંદીગઢમાં 129.7 મીમી વરસાદ નોંધાયો છે. પંજાબમાં રૂપનગરમાં 64 મીમી, પટિયાલામાં 62 મીમી, લુધિયાણામાં 57 મીમી, મોહાલીમાં 32 મીમી, ફરીદકોટમાં 6.5 મીમી, ફિરોઝપુરમાં 5 મીમી અને પઠાણકોટ અને અમૃતસરમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો. હરિયાણામાં અંબાલામાં 82 મીમી, ગુરુગ્રામમાં 77 મીમી, કુરુક્ષેત્રમાં 40.5 મીમી, કૈથલમાં 33 મીમી, રોહતકમાં 10 મીમી, નારનૌલમાં 7 મીમી અને હિસારમાં 6.7 મીમી વરસાદ નોંધાયો હતો.
દિલ્હીમાં હજુ વરસાદની સંભાવના
દિલ્હીમાં મધ્ય, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સવારે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં પણ દિલ્હીમાં વરસાદ હેશે. હવામાનશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે હાલ દિલ્હી ઉપરથી ચોમાસું પસાર થઈ રહ્યું છે અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેથી પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ અને મધ્ય પ્રદેશમાં 20 સેમી સુધી વરસાદની શક્યતા છે. દક્ષિણ હરિયાણા અને દક્ષિણ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે મંગળવારે દિલ્હીમાં વરસાદની શક્યતા ઓછી છે. જો કે 14 અને 15 ઓગસ્ટે દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હી ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં 20 સેમી સુધી વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ હરિયાણા અને દક્ષિણ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ વરસાદની પ્રબળ શક્યતા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી સતત વરસાદ રહેશે. 12 સેમી જેટલો વરસાદ નોંધાશે. જમ્મુ-કાશ્મીરમાં 14 ઓગસ્ટથી વરસાદ શરૂ થશે.