સરકાર દ્વારા ભલે વિકાસના ગાણાં ગાવામાં આવતા હોય પરંતુ કહેવાતા વાઈબ્રન્ટ ગુજરાતમાં જ કેટલાક એવા ગામો છે જ્યાં આજે પણ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આવું જ એક ગામ છે ચોટીલાનું દેવસર ગામ. જ્યાં બે દિવસે પાણીનું ટેન્કર આવે છે અને પાણીનું ટેન્કર આવતા જ પાણી ભરવા માટે લોકો પડાપડી કરતા નજરે ચડે છે. પહેલી નજરે તો આ દ્રશ્યો કોઈ વિકાસથી વંચિત કે છેવાડાના રાજ્યના લાગે પરંતુ આ શરમથી કહેવું પડી રહ્યું છે કે આ દ્રશ્યો આપણા વાઈબ્રન્ટ ગુજરાતના છે.

આ દ્રશ્યો સરકારની હર ઘર નળ યોજનાની જમીની હકીકત દર્શાવી રહ્યા છે. ઘરે ઘરે પાણી પહોચાડવા માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નર્મદા યોજના અને સૌની યોજના લાગુ કરવામાં આવી. પરંતુ ચોટીલાના દેવસર ગામમાં હજુ સુધી એક પણ યોજનાનો લાભ નથી મળ્યો. વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે પણ સૌની યોજના થકી ગામડાઓમાં પાણી પહોંચાડવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી તેમની વાત માત્ર વાત જ રહી ગઈ છે. ટેન્કરમાંથી પાણી ભરવાની બાબતે ગામમાં કોઈ દિવસ અંદરો અંદર મોટો ઝઘડો થવાની સંભાવના પણ ગામલોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દેવસર ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે સવાલ છે.