Homeગુજરાતદેવભૂમિ દ્વારકામાં જીવલેણ અકસ્માત; 6થી વધુના મોત

દેવભૂમિ દ્વારકામાં જીવલેણ અકસ્માત; 6થી વધુના મોત

દ્વારકા પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં 6થી વધુ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયા છે. સામે આવેલી વિગતો પ્રમાણે દ્વારકાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલી એક હોટલ પાસે બસ, ઈકો કાર, સ્વીફ્ટ કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 6થી વધુ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.


ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લઈને મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા હોય જામનગરની જી.જી. હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. ગમખ્વાર અકસ્માત અંગે જાણ થતાં જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.


અકસ્માત અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે ફર્ન હોટેલ પાસે રોડ પર એક બસ, બે કાર અને એક બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં 6થી વધુ લોકોના મોત થયા છે અને 13થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતકો અંગે તેમણે જણાવ્યું કે, મૃતકોમાં પાંચ લોકો ગાંધીનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમના નામ હેતલબેન ઠાકુર, પ્રિયાંશી ઠાકુર, તાન્યા ઠાકુર, રિયાંશ ઠાકુર અને વિરેન ઠાકુર છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી ચિરાગ રાણાભાઇ અને અન્ય એક મહિલાનું પણ મૃત્યુ થયું છે.


મૃતકોના નામ
1 – હેતલ અર્જુનભાઈ ઠાકુર (ઉંમર- 28 વર્ષ, રહેવાસી – કલોલ, ગાંધીનગર)
2 – પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર (ઉંમર – 18 વર્ષ, રહેવાસી – કલોલ, ગાંધીનગર)
3 – તાન્યા અર્જુભાઈ ઠાકુર (ઉંમર- 3 વર્ષ, રહેવાસી – કલોલ, ગાંધીનગર)
4 – રિયાંશ કિશનજી ઠાકુર (ઉંમર -2 વર્ષ)
5 – વિરેન કિશનજી ઠાકુર
6 – ચિરાગ રાણાભાઈ બારિયા (ઉંમર – 26 વર્ષ – રહેવાસી – બરડીયા)
7 – એક મહિલા (ઓળખ કરવાની બાકી)

RELATED ARTICLES

Most Popular