ભારે વરસાદની સ્થિતિમાં પોતાના ખેતરમાં પાણી ન ભરાય અને પોતાને કોઈ નુકસાન ન થાય તે માટે એક ખેડૂત પરિવારે ગામનું તળાવ તોડી નાખ્યું હોવાના આક્ષેપ સાથે અધિકારીઓને અરજી કરવામાં આવી છે. ધરમપુરમાં રહેતા એક ખેડૂત અને તેના પરિવારે ગામનું તળાવ તોડી નાખ્યું હોવાના આક્ષેપ સાથે ચોટીલાના ચોબારી ગામના ખેડૂતોએ મામલતદાર અને પોલીસ મથકે અરજી કરી છે.
અરજીમાં તેમનો આક્ષેપ છે કે ધરમપુર ગામના હરીરામ ઓળકિયાનું ખેતર તળાવની ઉપરની તરફ આવેલુ છે અને તેમના ખેતરો તળાવની નીચેની તરફ આવેલા છે. ભારે વરસાદની સ્થિતિમાં પોતાની જમીનમાં તળાવના પાણી ન આવે તેથી હરીરામ ઓળકિયા દ્વારા બેડકાવાળુ તળાવ તોડી નાખવામાં આવ્યું. જેને કારણે આ પાણી નીચેના ખેતરોમાં ફરી વળતાં જમીનનું ધોવાણ થઈ ગયું છે, કૂવામાં માટી આવી ગઈ છે અને એક પાડીનું પણ મોત થઈ ગયું છે.

ખેડૂતોનું કહેવું છે કે પોલીસ મથકે અને મામલતદારને આ બાબતે અરજી આપવામાં આવ્યા બાદ આરોપીના પરિવારજનો દ્વારા ફોન કરીને ધમકી પણ આપવામાં આવી છે કે વડાપ્રધાન સુધી ફરિયાદ કરો તો પણ તેમને કશું નહીં થાય. ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. જેમાં મહિલાઓ ગાળો પણ બોલી રહી છે. આરોપીઓ અન્ય બે તળાવ તોડવાની ફિરાકમાં હોવાનું અરજીમાં કહેવામાં આવ્યું છે. તેથી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ચોબારી ગામના ખેડૂતોએ માગ કરી છે.