Homeધર્મધરો આઠમની વ્રત કથા; ધરો આઠમની વાર્તા

ધરો આઠમની વ્રત કથા; ધરો આઠમની વાર્તા

ભાદરવા સુદ આઠમને ધરો આઠમ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. કુટુંબનો વંશ વધે છે. ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ કરે છે. અહીં ધરો આઠમની વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા આપવામાં આવી છે.

ધરો આઠમ વ્રતની વિધિ: (DHARO ATHAM VRAT VIDHI)
ધરો આઠમનું વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠવું. સ્નાનઆદિ નિત્ય કર્મથી પરવારીને ધરો (એક પ્રકારનું ઘાસ)ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા કુળને પણ આગળ વધારતા રહેજો. આ દિવસે કોઈપણ પ્રકારનુ ઘાસ ન કાપવું. આ દિવસે ઠંડુ ભોજન કરવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળ વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે કરવામાં આવે છે.

ધરો આઠમ ની વ્રત કથા

ધરો આઠમની વાર્તા (DHARO ATHAM NI VARTA)
વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડું ગામ હતું. ગામમાં સાસુ અને વહુ પ્રેમથી રહેતા હતા. ખેતરમાં મજૂરી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા. ભગવાને વહુને એક દેવ જેવો દીકરો આપ્યો હતો.

ભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમનો દિવસ આવ્યો. વહુએ દીકરાના સ્વાસ્થ્ય માટે ધરો આઠમનું વ્રત કર્યું. જો કે સાસુને ધરો આઠમના વ્રત વિશે કશી જાણ નહોતી. સાસુએ વહુને કહ્યું કે બેટા ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ.

ધરો આઠમની વાર્તા

વહુને ધરો આઠમનું વ્રત હોવાથી તે ઘાસ કાપવા જવા રાજી નહોતી. તેણે વિચાર્યું કે આજે તો મારે ધરો આઠમનું વ્રત છે આજે ઘાસ કેવી રીતે કપાય? તેથી તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સે થઈને કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ?

આથી વહુ લાચાર બનીને છોકરાને ઘોડિયમાં સુવડાવી સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. બારણે સાંકળ દઈને સાસુ વહુ બંને ખેતરમાં જવા નીકળ્યા. સાસુ તો ઘાસ કાપવા લાગ્યા પણ વહુનું મન નહોતું માનતું. વહુ ધરો બાજુમાં રાખીને ધીમે ધીમે બીજું ઘાસ કાપવા લાગી.

ઘાસ કાપીને સાસુ-વહુ ઘર તરફ આવવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તેમના ઘરમાં આગ લાગી છે જલદી ઘરે જાવ. આગની વાત સાંભળીને સાસુ-વહુ તો હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે દોડી આવ્યા. આવીને જોયું તો તેમનું આખું ઘર સળગી રહ્યું હતું. સાસુ વિલાપ કરવા લાગ્યા. વહુને પોતાના દીકરાની ચિંતા થઈ. તેણે બારણું ખોલીને જોયું તો તેનો દીકરો હેમખેમ હતો. ઘર સળગતું હતું પરંતુ તેના દીકરા ફરતે ધરો વીંટળાયેલી હતી અને તે રમી રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે પણ ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય કર્યો. આવો આ વ્રતનો પ્રભાવ છે.

RELATED ARTICLES

Most Popular