ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. આ ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. વનરક્ષક વર્ગ-3 સંવર્ગની 823 જગ્યા માટે સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની શારીરિક ક્ષમતાની કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. જે-તે જિલ્લામાં ભરવાની થતી જગ્યાના આધારે જરૂરી 25 ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈ તેમની શારીરિક ક્ષમતાની કસોટી લેવામાં આવશે.
ઉત્તર ગુજરાત રિજયનમાં કસોટીની તારીખ
રાજ્યના જુદા જુદા રિજયનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત રિજયનમાં સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર , કચ્છ , બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ઉમેદવારોની કસોટી ગાંધીનગરમાં સેક્ટર-27માં એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પર તારીખ 5-10-2024 થી 6-10-2024 દરમિયાન સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લેવામાં આવશે.

મધ્ય ગુજરાત રિજયનમાં રસોટીની તારીખ
મધ્ય ગુજરાત રિજયનમાં પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ જિલ્લાના ઉમેદવારોની શારીરિક કસોટી ગોધરામાં કોલીયારી, પંચામૃત ડેરી પાસે આવેલા એસઆરપી પરેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ 5-10-2024 થી 7-10-2024 દરમિયાન સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર રિજયનમાં કસોટીની તારીખ
સૌરાષ્ટ્ર રિજયનમાં જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે શારીરિક કસોટી જુનાગઢમાં બિલખા રોડ પર આવેલા પોલીસ તાલીમ કેન્દ્ર પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર તારીખ 5-10-2024 થી 8-10-2024 દરમિયાન સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લેવામાં આવશે.

દક્ષિણ ગુજરાત રિજયનમાં કસોટીની તારીખ
દક્ષિણ ગુજરાત રિજયનની વાત કરીએ તો ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા જિલ્લાના ઉમેદવારો માટે શારીરિક કસોટી સુરતના કામરેજ તાલુકાના વાવમાં નેશનલ હાઈવે નંબર -8 પાસે આવેલા એસઆરપી ગ્રાઉન્ડ પર તારીખ 5-10-2024 થી 7-10-2024 દરમિયાન સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લેવામાં આવશે.

ગેરહાજર રહેનારને ફરી નહીં મળે તક
વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતીની પરીક્ષાના નિયમો મુજબ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ઉમેદવારો આ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત નહીં રહે તેમને બીજી તક આપવામાં નહીં આવે અને તેમની ઉમેદવારી રદ્દ થશે. તેથી ઉમેદવારોને અચૂક હાજર રહેવું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાયેલી ફોરેસ્ટ ગાર્ડની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 ના ઉમેદવારોની યાદી 7/08/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે.
કોલ લેટર ડાઉનલોડ તારીખ
શારીરિક ક્ષમતાની કસોટી માટેનો કોલ લેટર ઓજસની વેબસાઈટ પરથી 30/09-2024ના રોજ સાંજના 5 વાગ્યાથી કસોટીની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. શારીરિક ક્ષમતાની કસોટી વખતે ઉમેદવારે પોતાની સાથે આ કોલ લેટર તેમજ કોલ લેટરમાં દર્શાવેલા પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે. જો આ અંગે ઉમેદવાર વધુ કોઈ જાણકારી મેળવવા માગતા હોય તો તેમણે હેલ્પલાઈન નંબર 1926 પર સંપર્ક કરવો. ભરતી અંગેના સમાચારો વિશે અપડેટ મેળવવા માટે ઉમેદવારે ફોરેસ્ટ વિભાગની વેબસાઈટ – https://forests.gujarat.gov.in કે પછી ઓજસની વેબસાઈટ – https://ojas.gujarat.gov.in જોતા રહેવા વિનંતિ છે.