vadodara: વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. જે મંદિર પાસે ગણેશ મહોત્સવ માટે ગણેશ પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 15 યુવાનોને વીજ કરંટ લાગતા અફરાતફરી મચી ગઈ. 15 યુવાનો પૈકી પ્રકાશ જાદવ નામના એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 14 યુવાનો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંડાલ પર લોખંડના એંગલ ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

વડુ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું કે મોડી રાત્રે પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો એ દરમિયાન આ ઘટના બની હતી. આશરે 15 ફૂટ જેટલો ઊંચો પંડાલ બનાવવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન આ ઘટના બની. ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાલુકાના સચિન તરીકે ઓળખાતો હતો પ્રકાશ
આ દુર્ઘટનામાં મોતને ભેટેલા યુવાન પ્રકાશ જાદવ ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેને 6 વર્ષની એક દીકરી છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી પ્રકાશના પરિવારજનો ઊંડા શોકમાં ડૂબી ગયા છે. પ્રકાશ જાદવ ક્રિકેટની રમત તે સારી રમતો હતો. તાલુકામાં રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તે ભાગ લેતો હતો જેમાં તે સારો દેખાવ કરતો હતો તેથી તેના મિત્રો તેને તાલુકાનો સચિન કહેતાં હતા. મૂળ નામ પ્રકાશ કરતાં તે સચિન તરીકે વધુ પ્રખ્યાત થયો હતો.

હવે સોપારીની સ્થાપના કરી ગણેશોત્સવ મનાવાશે
ઉલ્લેખનીય છે કે ડબકા ગામમાં છેલ્લાં 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 41મું વર્ષ છે. જેના માટે 12 ફૂટની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવાની હોવાથી યુવાનો 15 ફૂટ ઊચો પંડાલ બનાવી રહ્યા હતા. રાત્રિના સમયે અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ 11 કિલોવોટની વીજલાઇનને અડી જતાં યુવાનને વીજ કરંટ લાગ્યો હતો.
આ દુર્ઘટના બાદ ગામના લોકો પણ શોકમગ્ન છે. ગણેશમંડળના આગેવાન મહેશભાઈ જાદવે જણાવ્યું કે યુવાનો દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ પણ લખાવી દેવામાં આવી હતી. શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે જવાનું હતું. પરંતુ આ ઘટનાને લઈને બધા દુ:ખમાં છે. હવે મૂર્તિને બદલે સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે.