Homeગુજરાતગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે સુરેન્દ્રનગરના સાંસદને આવેદન; માગ પૂરી...

ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે સુરેન્દ્રનગરના સાંસદને આવેદન; માગ પૂરી નહીં થાય તો જેલભરો આંદોલનનની ચીમકી

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્રના ગૌરક્ષકો તથા સાધુ સંતો સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જો કે સાંસદ ચંદુભાઈ કાર્યાલય પર હાજર ન હોય, તેમના પ્રતિનિધિને આવેદનપત્ર રજૂ કર્યું હતું.

ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય અને સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ થાય તે હેતુથી જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ દ્વારા દેશવ્યાપી ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા યોજવામાં આવી છે. જેનું 22 સપ્ટેમ્બરે અયોધ્યાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા આગામી દિવસોમાં ગુજરાત આવી રહી છે ત્યારે આ યાત્રાને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગરમાં સાધુ સંતો અને ગૌ રક્ષા સંસ્થાના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં દેકાવાડાના આનંદ આશ્રમના મહંત કાલીદાસજી મહારાજ, અવધૂત બાપુ તેમજ અન્ય ગૌ સેવા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ કાલીદાસજી મહારાજે જણાવ્યું કે બને એટલી વહેલી તકે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી અમારી ઈચ્છા છે. ભારત દેશમાં ગાયની હત્યા થવાનું બંધ થાય. વધુમાં તેમણે કહ્યું કે અમે કોઈ પણ કતલખાનાનું સમર્થન નથી કરતા. તમામ પ્રાણીઓને તેમની રીતે જીવવાનો સ્વતંત્ર અધિકાર છે. એટલે કોઈ પણ પ્રાણીની હત્યા થતી હોય તેવા કતલખાના બંધ થવા જોઈએ.

આ પ્રસંગે અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણે જણાવ્યું કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ, વકીલોએ બિલ બનાવ્યું છે. જે બિલ સંસદમાં રજૂ થવું જોઈએ. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જેવી રીતે ગેનીબેને ગાયોનો મુદ્દો સંસદમાં ઊઠાવ્યો હતો તેવી રીતે ચંદુભાઈ શિહોરા પણ મુદ્દો સંસદમાં ઊઠાવે અને કેન્દ્ર સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. જો માગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની હરેશભાઈ ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Most Popular