Homeગુજરાતગુજરાત પોલીસ વિભાગમાં ભરતી અંગે મોટી અપડેટ; ક્યારે યોજાશે શારીરિક કસોટી?

ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી અંગે મોટી અપડેટ; ક્યારે યોજાશે શારીરિક કસોટી?

ગુજરાત પોલીસમાં ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતી અંગે જાણકારી આપી છે. એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં તેમણે પોલીસ ભરતીની શારીરિક અને લેખિત કસોટી ક્યારે યોજશે તે અંગે માહિતી આપી હતી.

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે, 12 હજાર લોકરક્ષક અને 500 PSIની શારીરિક પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત થશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ભરતીને લઈને છેતરપિંડી કરતા લોકોથી સાવધાન રહેવા પણ તેમણે અપીલ કરી હતી. સમયસર અરજીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી આવતી હોવાથી આચારસંહિતા લાગુ થઈ હતી. જે બાદ ઉનાળો શરૂ થઈ જતાં પોલીસ ભરતી માટે 5 કિલોમીટરની દોડનું આયોજન કરી શકાયું નહોતું. અત્યારે ચોમાસાની મોસમ છે. તેથી ગ્રાઉન્ડ પર ઉમેદવારને દોડાવી ન શકાય એટલા માટે શિયાળાની શરૂઆતમાં પાંચ કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સીધી જ લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

આ વખતે નવા નિયમો સાથે પોલીસ ભરતી યોજાશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં નહીં આવે. તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ અપાશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની ટેસ્ટમાં ભાગ લઈ શકશે. જેમાં 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.

ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં 12472 પદો પર ભરતી થશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)માં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

RELATED ARTICLES

Most Popular