રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ 30 ડિગ્રી તો કેટલાક જિલ્લાઓમાં 35 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. જો કે રાજ્યમાં ફરી એક વખત વરસાદની સંભાવના હોય ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું વિધિવત રીતે પૂર્ણ થતું હોય છે. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને પગલે ચોમાસુ લાંબુ ખેંચાયું છે.

નવરાત્રિના દિવસોમાં વરસાદ બની શકે વિઘ્ન
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં પણ નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ રહેશે
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત ઉપર લોઅર લેવલ ઉપર વિન્ડ કન્વર્ઝન થશે, જેને કારણે વરસાદની માત્રા વધુ પ્રમાણમાં રહેશે. તેથી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે અત્યારે ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે વરસાદનું પ્રમાણ ઓછું હતું.