લોકસભાની ચૂંટણીના માહોલ અને રાજકીય ગરમીની સાથે સાથે આકાશમાંથી પણ કાળઝાળ ગરમી પડી રહી છે. આજથી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. 6, 7 અને 8 મે દરમિયાન કેટલાક જિલ્લાઓમાં લોકોને આકરી ગરમી સહન કરવી પડશે. મહત્વનું છે કે ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન છે. મતદાનના દિવસે પણ આકરી ગરમી રહેવાની શક્યતા છે. એવામાં ગરમીની અસર મતદાનની ટકાવારી પર પણ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પોરબંદર, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. રવિવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતાં તાપમાન થોડું નીચું ગયું હતું. જો કે આજે સોમવારે ફરી તાપમાનનું પ્રમાણ વધ્યું છે. અને પારો 42 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6, 7 અને 8 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.