દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે આવેલા હનુમાન દાંડી મંદિરે ધામધૂમ પૂર્વક પરમ પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, વેરાવળ, તાલાળા સહિતના અનેક શહેરો અને ગામોના રામધુન મંડળના સભ્યોએ આવીને રામધુનની રમઝટ બોલાવી હતી. જુદા જુદા રાગમાં શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની રામધુન પર હાજર લોકો આબાલ વૃદ્ધ સહુ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.

મહત્વનું છે કે પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં પ્રેમ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી અને અખંડ રામધુનની શરૂઆત કરવામાં આવી હતી. હાલ આ પ્રેમ પરિવાર દ્વારા જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જેવા કેટલાક શહેરોમાં અખંડ રામધૂન ચાલી રહી છે. પ્રેમભિક્ષુજી મહારાજે દેહત્યાગ કર્યા બાદ પ્રેમ પરિવારના સભ્યો દ્વારા દર વર્ષે તેમની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન થોડા દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂરથી પ્રેમ પરિવારના સભ્યો હાજર રહે છે અને રામધુનની રમઝટ બોલાવે છે.

રામધુનમાં હાજર રહેનારા લોકો માટે ચા, પાણી – નાસ્તાની તેમજ જમવાની અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે બેટ દ્વારકા ખાતે હનુમાન દાંડી મંદિરે પ્રેમભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. બેટ દ્વારકા ન પહોંચી શકનાર પ્રેમ પરિવારના સભ્યો પોત પોતાના શહેર કે ગામમાં ગુરુ પૂજન અને રામધુન કરીને પુણ્યતિથિની ઉજવણી કરે છે.
