આશરે અઢી વર્ષ પહેલાં હત્યા કરીને નાસતા ફરતા આરોપીને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે. 28 ફેબ્રુઆરી 2022ના રોજ ચોટીલામાં ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો હતો. થાનગઢ રોડ પર વાસૂકિ દાદાના મંદિર નજીક ધર્મેન્દ્રભાઈ ખાચર પર જયેશભાઈ ઉર્ફે જહો ઘોડકિયા સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર ખાચરની હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે મૃતક ધર્મેન્દ્રભાઈ ખાચરે થોડા મહિનાઓ પહેલાં ઝીંઝુડા ગામના માવજીભાઈ ગાંગડિયાની હત્યા કરી હતી. જે મામલે પકડાઈ ગયા બાદ ધર્મેન્દ્રભાઈ ખાચર જામીન પર બહાર આવ્યા હતા. પરંતુ મૃતકના સંબંધીઓ તથા તેના સાથીઓએ ધર્મેન્દ્રભાઈ ખાચરની હત્યા કરીને હત્યાનો બદલો હત્યાથી લીધો. જે બાદ પાંચેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ધર્મેન્દ્રભાઈ ખાચરની હત્યામાં સંડોવાયેલા પાંચ પૈકી ચાર ઈસમોને તો ઝડપી લીધા હતા. જો કે જયેશભાઈ ઉર્ફે જહો ઘોડકિયા ફરાર હતો. પોલીસે અનેક વખત તેને પકડવા કોશિશ કરી પરંતુ પોલીસને હાથ તાળી આપીને તે નાસી જતો હતો. જો કે આખરે ચોટીલા પીઆઈ આઈ.બી. વલવી અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે તેને દબોચી લીધો.

જહો પોતાના ખેરડી ગામમાં પોતાની વાડીએ હોવાની બાતમી મળતા પોલીસ વાડીએ પહોંચીને તેને ઝડપી લીધો. આરોપી ધર્મેન્દ્રભાઈ ખાચરની હત્યા ઉપરાંત જહો પોરબંદરમાં હત્યાના પ્રયાસ સહિતના અન્ય કેટલાક ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. ત્યારે ચોટીલા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.