વડોદરાના પૂર્વ ડીસીપી કરણરાજ વાઘેલા સહિત અન્ય ચાર પોલીસકર્મીઓ સામે ફોજદારી ગુનો નોંધવાનો કોર્ટે આદેશ કર્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં આશરે ચારેક વર્ષ પહેલાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદ બાદ ભાવનગરના એક કોમ્પ્યુટર એન્જિનિયર આશિષકુમાર ચૌહાણને કારમાં ઊઠાવીને તેને ચાર દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે મામલે ભોગ બનનાર આશિષ ચૌહાણે કોર્ટમાં કેસ નોંધાવતા વડોદરાની કોર્ટે વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડના એસપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી કરણરાજ વાઘેલા, તત્કાલીન પીએસઆઈ બી.એસ. શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઈ, અમરદીપસિંહ ચૌહાણ અને મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા આદેશ કર્યો છે.

આઈપીએસ અધિકારી અને ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવાના કોર્ટના આદેશ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના આદેશ બાદ આઈપીએસ અધિકારી અને અન્ય ચારેય પોલીસકર્મીઓ વિરુદ્ધ સમન્સ ઈશ્યૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફરિયાદીનો શું હતો આક્ષેપ?
ભાવનગરમાં કોમ્પ્યુટરના દુકાનધારક કોમ્પ્યુટર એન્જિનિયર આશિષકુમાર ચૌહાણનો આક્ષેપ છે કે તારીખ 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તેઓ જ્યારે દુકાને હતા ત્યારે કાળા રંગની કારમાં પીએસઆઇ શેલાણા સહિતના પાંચ લોકો આવ્યા હતા અને દુકાનમાં જ ઢોર માર માર્યો હતો. જે બાદ કારમાં ખેંચીને લઈ ગયા હતા. પહેલા તેઓ ભાવનગરના સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. તેના પિતા ત્યાં આવી પહોંચતા તેમને પણ આ આરોપી પોલીસકર્મીઓએ ગાળો આપી હતી.

વધુમાં ફરિયાદી આશિષ ચૌહાણનું કહેવું છે કે તેને ઈજા પહોંચતા તેના પિતાએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ પીએસાઈ શેલાણાએ એમ્બ્યૂલન્સમાં જવાની ના કહી હતી અને કાળા રંગની કારમાં મારતા મારતા વડોદરા માંજલપુર પોલીસ મથકે લઈ આવ્યા હતા.જે બાદ લોકઅપમાં રાખીને ત્રણ દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ 1 ડિસેમ્બરે કરણરાજસિંહ વાઘેલા ત્યાં આવ્યા બતા અને લોકઅપમાં પીવીસીના પાઈપથી ખૂબ જ માર માર્યો હતો. અને આ અંગે તે કોઈને ફરિયાદ કરશે તો તેની ASI પત્નીને પણ સસ્પેન્ડ કરવાની અને તેના પિતાનું પેન્શન બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.