રાજકોટઃ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત થયા છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા માટે ગયા હતા અને અચાનક ડૂબી જતા તેમના મોત નીપજ્યા.
ઘટના અંગે જાણ થતાં ગામના સરપંચ, મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલા બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. જે બાદ ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરાઈ. એક સાથે 3 બાળકોના મોતથી પાદરિયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃત્યુ પામનારા બાળકોના નામ ભાવેશ ડાંગી, હિતેશ ડાંગી અને નિતેશ માવી છે. જેમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.