Homeગુજરાતજામનગરમાં એસટી બસો જળમગ્ન; ગોંડલમાં બાળક સહિત ત્રણ લોકો લાપતા

જામનગરમાં એસટી બસો જળમગ્ન; ગોંડલમાં બાળક સહિત ત્રણ લોકો લાપતા

છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વરસાદને લઈને ગુજરાતમાં  ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસતા લોકોને હાલાકીમાં મૂકાવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો.

જામનગરમાં એસટી બસો જળમગ્ન

જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો કલાકોથી ઘરમાં પૂરાયેલા છે. જામનગરના કાલાવડ રોડ પર આવેલા એસટી ડિવિઝનમાં પૂરના પાણી ફરી વળતા એસટીની બસો જળમગ્ન થયેલી જોવા મળી.

ગોંડલમાં ત્રણ લોકો લાપતા

ગોંડલના મોટી ખીલોરી ગામ નજીકથી પસાર થતી કોલપરી નદીમાં એક કાર તણાતા કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો લાપતા થઈ ગયા. જેમની શોધખોળ હાથ ધરવામાં આવી.

ભાદર-1 ડેમ ઓવરફ્લો  

સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 24 દરવાજા ખોલી નાખવામાં આવ્યા. જેને લઈને જેતપુર, જામકંડોરણા અને ધોરાજી સહિતના 20થી ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ભાદર ડેમમાં હાલ 39,427 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 45,261 ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.

કચ્છમાં તણાયેલા યુવકનો ત્રીજા દિવસે મળ્યો મૃતદેહ

આ તરફ કચ્છના માંડવીના રામાણીયા-ફરાદી કોઝવે પરથી થાર જીપ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને કારમાં બેઠેલો ભૂપેન્દ્રસિંહ રાઠોડ લાપતા થઈ ગયો હતો. જેનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો છે. રામાણીયા નજીક ચેકડેમ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.

વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે કરી વાતચીત

રાજ્યમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જે અંગે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી. તેમણે લખ્યું કે વડાપ્રધાને પરિસ્થિતિ અંગે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તમામ સહયોગ અને મદદની તેમણે ખાતરી આપી છે.

RELATED ARTICLES

Most Popular