આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે આપણને યાદ રહી જાય છે. ક્યારેક આવી ઘટનાઓ આપણને ખુશી પણ આપતી હોય છે. તો ક્યારેય કેટલીક ઘટનાઓથી આપણને દુખ થતું હોય છે.
ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મગર કાચબાને તેના જડબામાં ભરીને ખાવાનો પ્રયત્ન કરે છે. પણ મગર કાચબાને ખાઈ શકશે કે કેમ તેવો સવાલ આપણને થાય છે. થાય છે કાંઈક એવું કે આપણે કદાચ વિચાર્યું પણ નહીં હોય.
મગર જળચર જીવ ગણાય છે અને બહુ ખતરનાક હોય છે, લોકો મગરનું નામ આવે એટલે નદીથી દૂર ભાગવા લાગતા હોય છે. કોઈ માણસ અથવા પ્રાણી મગરનો સામનો કરે છે, ત્યારે આપણે માની લઈએ છીએ કે મગર સામે કોઈ બચી શકશે નહીં. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમને મજા પડશે.

નદીથી બહાર આવેલો મગર કાચબાને તેના જડબામાં ભરીને ખાવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાચબાને તે પોતાનો શિકાર બનાવવા જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મગરના મોં માં કાચબો ફસાઈ પણ જાય છે. છતાં, મગર તેનો શિકાર કરી શકતો નથી. મગર જેવો કાચબાને મોઢામાં નાખે છે અને દાંતથી ચાવવાની કોશિશ કરે છે ત્યારે કાચબાની ઢાલ જેવી પીઠમાં મગરના દાંત અથડાય છે. તેથી મગર તેને ચાવી શકતો નથી. એક વખત કાચબો મગરના મોંમાંથી બહાર નીકળી જાય છે તો મગર ફરી તેને પકડીને મોં માં નાખી દે છે. પરંતુ ફરી વખત પણ કાચબાની ઢાલ સાથે તેના દાંત અથડાય છે. અંતે મગર થાકીને બેસી રહે છે. અને કાચબો ધીમે ધીમે ત્યાંથી નદી તરફ જતો રહેશે. કેટલાક લોકો રમૂજમાં રહી રહ્યા છે કે મગરના દાંત તો સાજા રહ્યા છે ને?